અચાનક મૃત્યુનું કારણ કોવિડ વેક્સિન નહીં, સંસદમાં રજૂ થયું ICMR રિસર્ચ
નવી દિલ્હી, તા.11 ડિસેમ્બર, 2024: હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ રસીકરણથી ભારતમાં યુવાન પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી, પરંતુ તેનાથી વિપરીત, મૃત્યુના જોખમમાં ઘટાડો થયો છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે આ માહિતી આપી હતી.
કોવિડ-19ના કારણે અગાઉ હોસ્પિટલમાં દાખલ થવું, અચાનક મૃત્યુનો પારિવારિક ઇતિહાસ અને જીવનશૈલીની કેટલીક આદતો અચાનક મૃત્યુનું જોખમ વધારે છે, એમ તેમણે જણાવ્યું હતું. જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે, ICMRએ અહેવાલ આપ્યો છે કે ગયા વર્ષે મે-ઓગસ્ટ દરમિયાન 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. વિશ્લેષણમાં અચાનક મૃત્યુના કુલ 729 કેસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
રિસર્ચમાં એવું જાણવા મળ્યું કે, કોવિડ-19 રસીનો કોઈપણ ડોઝ લેવાથી આકસ્મિક મૃત્યુનું જોખમ ઓછું થાય છે. કોવિડ-19 રસીના બે ડોઝથી આવા મૃત્યુના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત એક લેખિત જવાબમાં, આરોગ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે હિન્દુસ્તાન એન્ટિબાયોટિક લિમિટેડ અને કર્ણાટક એન્ટિબાયોટિક એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત મેટ્રોનિડાઝોલ 400 એમજી અને પેરાસિટામોલ 500 એમજી ટેબલેટની ચોક્કસ બેચ પરીક્ષણ દરમિયાન નબળી ગુણવત્તાની હોવાનું જાણવા મળ્યું હતું.
ફાર્મા વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર હિન્દુસ્તાન એન્ટિબાયોટિક લિમિટેડ અને કર્ણાટક એન્ટિબાયોટિક એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ બંનેએ નોન-સ્ટાન્ડર્ડ ક્વોલિટી (એનએસક્યુ) સ્ટોક પાછો ખેંચી લીધો છે અને તેના સ્થાને નવો સ્ટોક મોકલ્યો છે.
આ પણ વાંચોઃ Lookback 2024: આ દીકરીઓએ વિશ્વમાં વગાડ્યો ભારતનો ડંકો, મેળવી ઐતિહાસિક ઉપલબ્ધિ
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S