વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂને ઓવલમાં રમાશે
ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની તારીખોની જાહેરાત કરી છે. લંડનના ઓવલમાં 7 થી 11 જૂન દરમિયાન 2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાશે. ફાઈનલ મેચ માટે 12 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ આવૃત્તિની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પટનમાં રમાઈ હતી, જેમાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યું હતું.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થઈ શકે છે ફાઈનલ
આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ શકે છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં 75.56ની જીતની ટકાવારી સાથે નંબર વન પર છે. તો, ભારતીય ટીમ 58.93 જીતની ટકાવારી સાથે બીજા નંબર પર છે. આ સ્થિતિમાં બંને વચ્ચે ફાઈનલ થવાની શક્યતા દેખાઈ રહી છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ નિર્ણય લેવામાં આવશે
9 ફેબ્રુઆરીથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દ્વારા ફાઇનલિસ્ટ ટીમો નક્કી કરી શકાય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા માટે ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને ઓછામાં ઓછા 3-1થી હરાવવું પડશે, નહીં તો ટીમને ફાઇનલમાં જગ્યા બનાવવા માટે અન્ય પર નિર્ભર રહેવું પડશે. શ્રીલંકા 53.33ની જીતની ટકાવારી સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં ત્રીજા નંબરે છે. 9 માર્ચથી ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે.
બોર્ડર ગાવસ્કર સિરીઝનું શેડ્યૂલ
- ભારત vs ઓસ્ટ્રેલિયા (1લી ટેસ્ટ) – નાગપુર, ભારત, 9-13 ફેબ્રુઆરી.
- ભારત vs ઓસ્ટ્રેલિયા (બીજી ટેસ્ટ) – દિલ્હી, ભારત, 17-21 ફેબ્રુઆરી.
- ભારત vs ઓસ્ટ્રેલિયા (3જી ટેસ્ટ) – ધર્મશાલા, ભારત, 1-5 માર્ચ.
- ભારત vs ઓસ્ટ્રેલિયા (ચોથી ટેસ્ટ) – અમદાવાદ, ભારત, માર્ચ 9-13.