ICC ટેસ્ટ રેન્કિંગઃ યશસ્વી જયસ્વાલનું શાનદાર પ્રદર્શન, વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો


13 માર્ચ, 2024: ICCએ નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે અને મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન અને વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી 9મા સ્થાને છે અને હવે યશસ્વી જયસ્વાલ 8મા સ્થાને પહોંચી ગયો છે. યશસ્વીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ 712 રન બનાવ્યા હતા, તેની એવરેજ પણ 89 હતી અને તેને કારણે તેને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો હતો.
યશસ્વીની કમાલ
યશસ્વી જયસ્વાલે ગયા વર્ષે જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. આ પછી આ ખેલાડીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં પણ સારી બેટિંગ કરી હતી. યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના બેટમાંથી બે બેવડી સદી આવી. યશસ્વીએ હાલમાં 68 થી વધુની એવરેજથી 1028 ટેસ્ટ રન બનાવ્યા છે. તેના આ પ્રદર્શને તેને ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટથી આગળ કરી દીધો છે.
રોહિત નંબર 1 ભારતીય બેટ્સમેન છે
જો કે, ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 ભારતીય બેટ્સમેન રોહિત શર્મા છે. ICC ટેસ્ટ રેન્કિંગમાં રોહિત શર્મા છઠ્ઠા સ્થાને છે. રોહિતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ સારી બેટિંગ કરી હતી. આ સીરીઝ પહેલા તે ટોપ 10માંથી બહાર હતો પરંતુ હવે તે છઠ્ઠા નંબર પર છે.