ICC ટેસ્ટ રેંકિંગ : આ 2 ભારતીય ખેલાડીઓ પહોંચ્યા ટોપ 10માં, બેને થયું નુકસાન
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે ખેલાડીઓની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં યશસ્વી જયસ્વાલને એક સ્થાનનો ફાયદો થયો છે. યશસ્વીએ ટોપ-5માં પ્રવેશ કર્યો છે. તે 751 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. યશસ્વીએ ચેન્નઈમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં અડધી સદી (56) ફટકારી હતી. તે હાલમાં ભારતના સર્વોચ્ચ ક્રમાંકિત ટેસ્ટ બેટ્સમેન છે. વિકેટકીપર રિષભ પંતે ફરી ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. તેણે ચેન્નઈ ટેસ્ટના પ્રથમ દાવમાં 39 રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગમાં સદી (109) ફટકારી હતી.
ઉલ્લેખનીય છે કે પંતે ડિસેમ્બર 2022 પછી પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી અને ધમાલ મચાવી હતી. તે 751 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. ત્યારે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માને નુકસાન થયું છે. કોહલી પાંચ સ્થાન નીચે 12મા ક્રમે આવી ગયો છે. તેને 709 માર્કસ છે. તેણે પ્રથમ ટેસ્ટમાં કુલ 13 રન ઉમેર્યા હતા.
આ ઉપરાંત ‘હિટમેન’ તરીકે જાણીતા રોહિતનું બેટ પણ શાંત રહ્યું. તેણે કુલ 11 રન બનાવ્યા હતા. રોહિત પણ પાંચ સ્થાન સરકી ગયો છે. હાલમાં તે 10માં નંબર પર છે. તેને 716 માર્કસ છે. જો રૂટ (899) ટોચ પર છે જ્યારે કેન વિલિયમસન (852) બીજા સ્થાને છે. ડેરિલ મિશેલ (760) અને સ્ટીવ સ્મિથ (757) અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે.
આ ઉપરાંત ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં પણ ફેરફાર થયો છે. શ્રીલંકાના સ્પિનર પ્રભાત જયસૂર્યાએ ટોપ-10માં જગ્યા બનાવી લીધી છે. તે 743 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. તેને પાંચ સ્થાનનો ફાયદો થયો હતો. ન્યૂઝીલેન્ડ સામેની ગાલે ટેસ્ટમાં જયસૂર્યાએ નવ વિકેટ ઝડપી હતી.
જયસૂર્યા (743) ત્રણેય ફોર્મેટમાં શ્રીલંકાના સર્વોચ્ચ ક્રમાંકિત ખેલાડી છે. તેણે અસિથા ફર્નાન્ડો (700)ને પાછળ છોડી દીધો છે, જે બે સ્થાન નીચે 13માં સ્થાને છે. ભારતનો સ્પિનર રવિચંદ્રન અશ્વિન (871) નંબર વન ટેસ્ટ બોલર છે અને બીજા નંબર પર જસપ્રિત બુમરાહ (854) છે. ચેન્નઈ તરફથી અશ્વિને 6 અને બુમરાહે 5 વિકેટ ઝડપી હતી.