ટોપ ન્યૂઝવર્લ્ડ કપસ્પોર્ટસ

શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરતું ICC

હાલમાં ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કડક કાર્યવાહી કરી છે અને શ્રીલંકન ક્રિકેટ (SLC) ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી છે. ICCનો આ નિર્ણય શ્રીલંકાની સંસદે ગુરુવારે સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યા બાદ આવ્યો છે.

શું હતું સંસદે કરેલા ઠરાવમાં ?

મળતી માહિતી મુજબ, ઠરાવમાં શ્રીલંકા ક્રિકેટને બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી, જેને શાસક અને વિપક્ષ બંને પક્ષોએ ટેકો આપ્યો હતો. ICC એ તારણ કાઢ્યું હતું કે શ્રીલંકા ક્રિકેટ સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યું છે. તેણે તેની તમામ બાબતોને સ્વતંત્ર રીતે સંચાલિત કરવાની જરૂર છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે શાસન અથવા વહીવટમાં કોઈ સરકારી દખલગીરી ન હોય.

આવનારા દિવસોમાં બેઠકમાં લેવાશે યોગ્ય નિર્ણય

ICCએ તેના નિવેદનમાં કહ્યું, ‘સસ્પેન્શનની શરતો ICC બોર્ડ દ્વારા યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે. ICC બોર્ડની બેઠક 21 નવેમ્બરે યોજાવાની છે. ત્યારબાદ આગળના પગલાં લેવામાં આવશે. શ્રીલંકા આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની પણ યજમાની કરવા જઈ રહ્યું છે.

શ્રીલંકા કોઈ ઈવેન્ટમાં ભાગ નહીં લઈ શકે

જ્યાં સુધી ICC શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પરનો પ્રતિબંધ હટાવે નહીં ત્યાં સુધી શ્રીલંકા ICCની કોઈપણ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. જો કે, સારી વાત એ છે કે ક્રિકેટ વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમની તમામ મેચો ખતમ થયા બાદ ICCએ આ કાર્યવાહી કરી છે, તેથી વર્લ્ડ કપના શેડ્યૂલ પર તેની કોઈ અસર નહીં થાય. જોકે, પ્રતિબંધના કારણે શ્રીલંકાના ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP)ને અસર થઈ શકે છે.

સરકારે ક્રિકેટ બોર્ડમાં દખલગીરી કરી હતી

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની સરકારે 6 ઓક્ટોબરે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ (SLC)ને વિસર્જન કર્યું હતું. શ્રીલંકાના પ્રશંસકોએ ક્રિકેટ બોર્ડના મુખ્યાલયની સામે વિરોધ પ્રદર્શન કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીલંકાની સરકારે બોર્ડને ભંગ કર્યા બાદ પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાની અધ્યક્ષતામાં વચગાળાની સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે, બાદમાં કોર્ટે શ્રીલંકન ક્રિકેટ બોર્ડનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું હતું. વર્લ્ડ કપ 2023માં શ્રીલંકાની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને તે તેની નવમાંથી માત્ર બે મેચ જીતવામાં સફળ રહી હતી. શ્રીલંકા પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. શ્રીલંકા માટે વર્ષ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવું ઘણું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

Back to top button