T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપવિશેષસ્પોર્ટસ

નાચનારીનું આંગણું વાંકું: પાકિસ્તાની ટીમને મેદાન કરતાં હોટલ દૂર લાગે છે!

Text To Speech

6 જૂન, ન્યૂયોર્ક: પાકિસ્તાની ટીમ વિશે દરરોજ કોઈને કોઈ એવા સમાચાર આવે છે જેના પર હસવું કે રડવું તે જ સમજણમાં નથી આવતું. પાકિસ્તાની ટીમ હાલમાં ICC T20 World Cup 2024 રમવા માટે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં છે. આજે તેની પહેલી મેચ સહ-યજમાન  યુએસએ સામે છે. પરંતુ પાકિસ્તાની ટીમે ICCને ફરિયાદ કરી છે કે મેદાન કરતાં હોટલ જ્યાં તેઓ રહે છે તે ઘણી દૂર છે.

હજી ગઈકાલે જ આપણે જાણ્યું હતું કે પાકિસ્તાની ટીમે ન્યૂયોર્કમાં જે હોટેલમાં ચેકઇન કર્યું છે ત્યાં પોતાના ફેન્સ માટે એક પ્રાઇવેટ ડિનરનું આયોજન કર્યું હતું જેની પાકિસ્તાનમાં જબરદસ્ત ટીકા થઇ હતી. પૂર્વ પાકિસ્તાની કેપ્ટન રાશીદ લતીફે ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાની ટીમે પોતાની સાથે ડિનર કરવા ઈચ્છતા દરેક ફેન માટે 25 અમેરિકન ડોલર્સની ફી રાખી હતી. લતીફના કહેવા અનુસાર પહેલાં તો ટીમ આવી કોઈ પ્રાઈવેટ ઇવેન્ટ પાકિસ્તાન ક્રિકેટ ટીમના નામે ન રાખી શકે અને એમાંય 25 ડોલર્સ જેવી ફી નક્કી કરીને તેમણે શરમજનક કાર્ય કર્યું છે.

તાજા સમાચાર અનુસાર મેદાન કરતાં હોટલ દૂર હોવાની પાકિસ્તાની ટીમની ફરિયાદ ICCએ દૂર કરી દીધી છે. અગાઉ પાકિસ્તાનની ટીમ જે હોટલમાં રહેતી હતી તે ન્યૂયોર્કના નસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમથી દોઢ કલાકના અંતરે હતી હવે તેને મેદાનથી ફક્ત પાંચ મિનીટ દૂર રહેલી હોટલમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. ICCએ આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફની વિનંતી બાદ લીધો હતો. જોકે પાકિસ્તાન આજે ડલાસમાં પોતાની મેચ રમવાનું છે પરંતુ ભારત સામે અતિશય મહત્વની મેચ ન્યૂયોર્કમાં રમાશે.

અગાઉ શ્રીલંકાના સ્પિનર મહીશા પથીરાનાએ પણ ICC દ્વારા શ્રીલંકાની મેચો જે રીતે ગોઠવવામાં આવી છે તેના ઉપર પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. પથીરાનાનું કહેવું હતું કે શ્રીલંકાની દરેક મેચો અલગ અલગ વેન્યુ પર ગોઠવવામાં આવી છે. આ કારણસર ટીમને સતત ટ્રાવેલિંગ કરવું પડે છે.

આટલું જ નહીં પરંતુ ફ્લાઈટ પકડવા માટે તેમણે કલાકો અગાઉથી એરપોર્ટ પહોંચી જવું પડે છે, પરિણામે તેઓ થાકી જાય છે અને જરૂરી પ્રેક્ટીસ કરી શકતા નથી. આ વખતના વર્લ્ડ કપની શરુઆત વિવાદ સાથે થઇ છે. પથીરાનાની વાત ઉપરાંત ન્યૂયોર્કની પીચ વિશે પણ ઘણો વિરોધ થઇ રહ્યો છે.

Back to top button