T-2O વર્લ્ડ કપને લઈને ICCએ કર્યા નિયમમાં ફેરફાર, હવે કોરોના સંક્રમિત ખેલાડીને પણ રમવાની છૂટ


સિડનીઃ T20 વર્લ્ડ કપ-2022નો પ્રારંભ થઈ ગયો છે. હાલ આ ટુર્નામેન્ટના પ્રથમ તબક્કાની મેચ રમાઈ રહી છે. જ્યારે મુખ્ય મુકાબલા 22 ઓક્ટોબરથી શરૂ થશે. હવે આ ટુર્નામેન્ટને લઈને ICCએ પોતાના નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે. અગાઉ જ્યારે મેચ દરમિયાન કોઈ ખેલાડીને કોરોના થતો હતો, તો તેને આઈસોલેટ કરી દેવાતો હતો, અને ઠીક થયા બાદ જ ટીમમાં સામેલ કરાતો હતો. પણ હવે ICCએ કોરોના સંબંધિત આ નિયમમાં મોટા ફેરફારો કર્યા છે.
કોરોના સંક્રમિત ખેલાડી પણ રમી શકશે
ICC મુજબ ટી20 વર્લ્ડ કપમાં હવે કોરોના પોઝિટિવ ખેલાડીઓને પણ રમવાની મંજૂરી અપાશે. ઓસ્ટ્રેલિયાની સરકારે પણ આ અઠવાડિયાની શરૂઆતમાં કોરોનાથી સંક્રમિત લોકો માટે આઈસોલેશન ખતમ કરી દીધું હતું. હવે આ ટી20 વર્લ્ડ કપ રમતાં ખેલાડીઓ માટે પણ ICCએ આવો જ નિર્ણય કર્યો છે.
ફરજિયાત કોરોના ટેસ્ટિંગ નહીં થાય
સૌથી પહેલાં તો આ ટુર્નામેન્ટ દરમિયાન ફરજિયાત રીતે કોરોના ટેસ્ટિંગ કરાશે નહીં. જો કોઈ ખેલાડી પોઝિટિવ આવશે, તો તેને રમવાની મંજૂરી હશે કે નહીં, તે ટીમના મેડિકલ સ્ટાફની જવાબદારી રહેશે. ટીમની સાથે જે ડૉક્ટર હશે, તેની એ જવાબદારી બને છે કે, તે નિર્ણય કરી શકે કે પોઝિટિવ ખેલાડીને મેદાન પર ઉતરવાની મંજૂરી આપવી છે કે પછી તેને અન્ય ખેલાડીઓથી દૂર રાખવો છે.
ટી20 વર્લ્ડ કપના આઠમી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતે તેમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. તેમાં આઠ ટીમ પહેલેથી જ સુપર-12 પહોંચી ચૂકી છે. જ્યારે આઠ ટીમોમાંથી ક્વોલિફાઈંગ મેચો મારફતે ચાર ટીમો સુપર-12 પહોંચશે. આ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા છે અને દરેક ગ્રૂપમાં 6-6 ટીમો હશે. ICCની આ સિઝનની ફાઈનલ 13 નવેમ્બરે રમાશે.