ગૌતમ અદાણીના સમર્થનમાં IAS શાહ ફૈસલ, જાણો- કોણ છે આ IAS અધિકારી?
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓ પર અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના આરોપોથી નકારાત્મક અસર પડી છે. હિંડનબર્ગના કથિત ઘટસ્ફોટના કારણે અદાણી ગ્રુપના તમામ શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન વિપક્ષે પણ અદાણી અને કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. અદાણી કેસમાં સંસદમાં હોબાળો ચાલુ છે. ખાસ કરીને કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર અદાણીને અન્યાયી રીતે ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ 2019માં નોકરીમાંથી રાજીનામું આપનાર IAS અધિકારી શાહ ફૈઝલ ફરી એકવાર સમાચારમાં છે. તેમણે ગૌતમ અદાણીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. અદાણીના સમર્થનમાં શાહ ફૈસલે લખેલી બાબતો પર સોશિયલ મીડિયા પર અલગ-અલગ કમેન્ટ્સ કરવામાં આવી રહી છે.
હું અદાણીનું સન્માન કરું છું: ફૈઝલ
IAS ઓફિસર શાહ ફૈસલે લખ્યું છે કે, હું ગૌતમ અદાણીનું સન્માન કરું છું કારણકે તેમણે જે રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે તે અદ્ભુત છે, હું તેમને એક મહાન માનવી તરીકે ઓળખું છું, જે સમાજમાં વિવિધતાને પ્રોત્સાહન આપવા માંગે છે. હૃદયપૂર્વક આદર કરું છું. હું અદાણીને ભારતમાં ટોચ પર જોવા માંગુ છું. હું આશા રાખું છું કે ગૌતમ અદાણી અને તેમનો પરિવાર જે અગ્નિપરીક્ષાનો સામનો કરી રહ્યો છે, તેમાંથી તેઓ શ્રેષ્ઠ રીતે બહાર આવશે.
I respect @gautam_adani for the way he has refused to let adversity get the better of him.
I know him as a great human being who is deeply respectful of diversity in the society and wants to see India on the top.
I wish him the best as he and his family face this trial by fire.— Shah Faesal (@shahfaesal) February 7, 2023
IAS પરીક્ષામાં ટોપ કર્યું
શાહ ફૈઝલ પહેલીવાર 2010માં ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તેણે IASની પરીક્ષામાં ટોપ કર્યું હતું. શાહ ફૈઝલ મૂળ કાશ્મીરનો છે. વર્ષ 2019માં તેમની સેવામાંથી રાજીનામું આપી દીધું અને પોતાનો રાજકીય પક્ષ બનાવ્યો. જાન્યુઆરી 2019માં, તેમણે દેશમાં ‘વધતી અસહિષ્ણુતા’ ને ટાંકીને અમલદારશાહીમાંથી રાજીનામું આપ્યું. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પણ શાહ ફૈઝલ ઘણી ચર્ચામાં આવ્યા હતા.
જો કે, શાહ ફૈઝલને થોડા મહિનામાં જ રાજનીતિથી મોહભંગ થઈ ગયો હતો. હવે IAS અધિકારી શાહ ફૈઝલ વહીવટી સેવામાં પરત ફર્યા છે. હાલમાં તેઓ કેન્દ્રીય પ્રવાસન વિભાગમાં નાયબ સચિવ તરીકે તૈનાત છે. જોકે શાહ ફૈઝલનું રાજીનામું ક્યારેય સ્વીકારવામાં આવ્યું ન હતું. IAS અધિકારીને પણ 2020માં પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ નજરકેદ કરવામાં આવ્યા હતા.
શાહ ફૈઝલ સ્પષ્ટવક્તા
ગયા વર્ષે, જ્યારે ‘મુસ્લિમ પીએમ’ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું હતું, ત્યારે શાહ ફૈસલે સતત અનેક ટ્વિટ કર્યા હતા. તેણે ટ્વીટમાં લખ્યું, ‘ભારતમાં જ શક્ય છે કે કાશ્મીરનો કોઈ મુસ્લિમ યુવક ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષામાં ટોપ કરી શકે. સરકારના ઉચ્ચ વિભાગો સુધી પહોંચી શકે છે. સરકારની વિરુદ્ધ જઈ શકે છે અને પછી એ જ સરકાર તેનું રક્ષણ કરે છે અને અપનાવે છે. શાહ ફૈસલે અહીં પોતાના વિશે જણાવ્યું હતું.