IAS પૂજા ખેડકરની મુશ્કેલી વધી, હવે કેન્દ્ર સરકારે પણ મોકલી કારણદર્શક નોટિસ
- કેન્દ્ર સરકાર દ્વારા IAS પૂજા ખેડકરને 2 ઓગસ્ટ સુધીમાં તેમના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા કરવા કહેવામાં આવ્યું
પુણે, 30 જુલાઇ: ટ્રેઇની IAS પૂજા ખેડકર વિરુદ્ધ ખોટી ઓળખ ઊભી કરવાના એક પછી એક લાગેલા આરોપો બાદ તેના માટે નવી સમસ્યા ઉભી થઇ છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધનોની વિગતો જાળવતા ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગે (DOPT) આજે મંગળવારે પૂજા ખેડકરને કારણ બતાવો નોટિસ જારી કરી છે. તેમને 2 ઓગસ્ટ સુધીમાં તેમના પર લાગેલા આરોપો પર તેમની સ્થિતિ સ્પષ્ટ કરવા પણ કહેવામાં આવ્યું છે.
અધિકારીઓએ આ અંગે શું કહ્યું?
આ કેસ સાથે સંબંધિત DOPTના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, “વિવિધ એજન્સીઓની પૂછપરછ બાદ, 26 જુલાઈએ તેમના સરનામા પર કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી હતી. પૂજા ખેડકરને નોટિસનો જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.” અન્ય એક અધિકારીએ કહ્યું કે, “પ્રક્રિયા મુજબ, નોટિસ જારી કરવામાં આવી છે અને તેનો જવાબ માંગવામાં આવ્યો છે. તે કાં તો DoPT સમક્ષ રૂબરૂ હાજર થઈ શકે છે અથવા લેખિત જવાબ મોકલી શકે છે.” અધિકારીએ કહ્યું કે, “તે પૂજા ખેડકર પર નિર્ભર કરે છે કે તે નોટિસનો કેવી રીતે જવાબ આપે છે.” અધિકારીએ કહ્યું છે કે, જો તેઓ જવાબ નહીં આપે તો તેમની સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારના રિપોર્ટના આધારે કેન્દ્ર સરકારે પૂજા ખેડકરની ઉમેદવારી અને અન્ય આરોપોના દાવાઓની તપાસ કરવા માટે એક-એક સભ્યની પેનલની રચના કરી છે. જો ખેડકર ખોટા દાવા કરવા બદલ દોષિત ઠરશે તો તેની પસંદગી રદ્દ થઈ શકે છે.
UPSCની કરી હતી ફરિયાદ
UPSCની ફરિયાદને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ખેડકર સામે છેતરપિંડી અને ખોટી ઓળખનો કેસ નોંધી લીધો છે. ગયા અઠવાડિયે કમિટીએ પોતાનો રિપોર્ટ DoPT સેક્રેટરીને સુપરત કર્યો હતો. ડીઓપીટી ટીમ આ રિપોર્ટના તારણોની તપાસ કરી રહી છે અને જરૂરી કાર્યવાહીની ભલામણ કરવાની પણ તૈયારી કરી રહી છે. ડીઓપીટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખેડકરને મહારાષ્ટ્રના વાશિમથી 23 જુલાઈ સુધીમાં મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશનમાં રિપોર્ટ કરવાનું હતું. જો કે, એકેડેમીના અધિકારીઓએ સોમવારે પુષ્ટિ કરી કે તેમણે હજી સુધી ત્યાં જાણ કરી નથી.
આ પણ જુઓ: રેલ દુર્ઘટનાનો રેકોર્ડ બનાવવા માંગે છે આ સરકાર: ઝારખંડ ટ્રેન અકસ્માત પર અખિલેશ યાદવ