Haryana 169 Crore Scam: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સરકારી ભંડોળની હેરાફેરી અને કૌભાંડના સંદર્ભમાં હરિયાણા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (HSPCB) ના તત્કાલીન સભ્ય સચિવ અને સિનિયર IAS અધિકારી પ્રદીપ કુમારની ધરપકડ કરી છે. સીબીઆઈની સઘન તપાસમાં ખુલાસો થયો છે કે આ કરોડોના કૌભાંડમાં પ્રદીપ કુમારની સીધી અને સક્રિય ભૂમિકા હતી. આ ધરપકડ તેમની નિવૃત્તિના ગણતરીના કલાકો પહેલા જ કરવામાં આવી છે, જેને પગલે વહીવટી ગલિયારાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
કોઈ પણ સત્તાવાર મંજૂરી વિના બેંક ખાતું ખોલાયું
સીબીઆઈ તપાસના અહેવાલ મુજબ, બોર્ડની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ની નિર્ધારિત મર્યાદા કરતાં ઘણી વધારે રકમ ચંદીગઢના સેક્ટર 32 માં આવેલી IDFC ફર્સ્ટ બેંકની શાખામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સંબંધિત વિભાગ પાસે આ વિશેષ બેંક ખાતું ખોલવા માટે કોઈ સત્તાવાર મંજૂરી, દસ્તાવેજો કે ઓફિશિયલ રેકોર્ડ નહોતા. ફિક્સ્ડ ડિપોઝિટ બનાવવાના બહાને આ ખાતામાં સરકારી નાણાં ટ્રાન્સફર તો કરાયા, પરંતુ વાસ્તવમાં કોઈ FD થઈ જ નહોતી. તેના બદલે, તે ખાતામાંથી છેતરપિંડીપૂર્વક નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા, જેનાથી હરિયાણા સરકારને અંદાજે ₹169 કરોડનું સીધું નુકસાન થયું છે. એક જ સરકારી વિભાગ દ્વારા ભોગવવામાં આવેલું આ સૌથી મોટું નાણાકીય નુકસાન છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
8 સરકારી વિભાગોના ₹504 કરોડ શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરાયા
આ ચકચારી કેસની તપાસ પહેલા રાજ્ય સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો પાસે હતી, પરંતુ હરિયાણા સરકારની વિશેષ વિનંતી બાદ આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. એજન્સીની તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ માત્ર HSPCB પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેનું કાવતરું ખૂબ જ ઊંડું છે. IDFC ફર્સ્ટ બેંકની આ જ શાખા સાથે મળીને હરિયાણા સરકારના કુલ 8 અલગ-અલગ વિભાગોના આશરે ₹504 કરોડ નકલી FD અને ગેરકાયદેસર વ્યવહારો દ્વારા ઉપાડી લેવાયા હતા. આ તમામ નાણાં બાદમાં વિવિધ શેલ (બોગસ) કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.
બેંક અધિકારીઓ સહિત 17 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ
સીબીઆઈએ અગાઉ પ્રદીપ કુમારને તપાસમાં જોડાવા માટે અનેક વખત સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓ સતત આદેશોનો ભંગ કરી રહ્યા હતા અને સહકાર આપતા નહોતા. આખરે લોકેશન ટ્રેક કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં સીબીઆઈ દ્વારા 2 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ સહિત બેંક અધિકારીઓ, સરકારી કર્મચારીઓ અને ખાનગી કંપનીઓના સંચાલકો મળી કુલ 17 આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સભ્ય સચિવ તરીકે પ્રદીપ કુમાર તમામ રોકાણો વ્યક્તિગત રીતે સંભાળતા હોવાથી તેમની ભૂમિકા સૌથી મુખ્ય ગણવામાં આવી છે.
આ પણ વાંચો: અયોધ્યામાં કરુણ દુર્ઘટના: સેલ્ફી લેવાના ચક્કરમાં નદીમાં ડૂબી 5 મહિલાઓ, 3ના મોત; 2ની શોધખોળ ચાલુ











