IAS અધિકારી કે. રાજેશ પર કસાયો કાયદાનો સકંજો
IAS અધિકારી કે. રાજેશ પર કાયદાનો સકંજો વધુ કસાયો છે. કે. રાજેશની EDએ ધરપકડ કરી છે. અગાઉ CBIએ તેમની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમને CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે કે. રાજેશના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ તેમને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. CBIએ કે. રાજેશ સામે થોડા સમયની અંદર જ ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં EDએ સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે તેમની ધરપકડ કરી છે. હવે કે. રાજેશને અમદાવાદમાં આવેલી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
રાજેશ સામે ભ્રષ્ટાચારના આરોપ છે. થોડા મહિના અગાઉ કે. રાજેશના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં પણ કે. રાજેશનું કનેક્શન સામે આવ્યું હતું. જેમાં સુરતથી તેમના વચેટિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ વચેટિયા મારફતે જ રૂપિયાની લેવડ-દેવડ કરવામાં આવતી હોવાનુ પણ ખૂલ્યું હતું.
કે. રાજેશ સામે શું છે આરોપ ?
કે. રાજેશ સામે સરકારી જમીન ગેરકાયદે લાભાર્થીઓને નામે ટ્રાન્સફર કરી આપવાના, સરકારી જમીન પર દબાણ કરનારાઓને નામે જમીન કરી આપવા અને આ દસ્તાવેજ નામે કરાવવામાં મોટી રકમ વસુલવાના તેમજ વન વિસ્તારની અનામત જમીન વન વિભાગની જાણ કે મંજૂરી વિના જ ભાડે આપી દેવા માટે લાંચ લેવાના પણ આરોપ છે. કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર રહેતા 271થી વધુ આર્મ્સ લાઈસન્સ ઈશ્યુ કર્યા હોવાનુ તપાસમાં બહાર આવ્યું છે. તેમાથી 39 લાઈસન્સ લેનારાઓના રિવ્યુ સારા ન હોવા છતા, નેગેટિવ રિપોર્ટ હોવા છતા લાઈસન્સ આપી દેવાનો પણ આરોપ છે.