‘મારી હત્યાના કાવતરાનો જવાબ હું સંસદ ભવન પર હુમલો કરીને આપીશ’ : આતંકવાદી પન્નુની ધમકી
- ખાલિસ્તાની આતંકવાદી ગુરૂપતવંતસિંહ પન્નુએ ફરી આપી ધમકી
- મારી હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું છે, જેનો જવાબ હું આપીશ : આતંકવાદી પન્નુ
- હું 13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને જવાબ આપીશ : પન્નુ
અમેરિકા, 6 ડિસેમ્બર : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ ફરી એકવાર હંગામો મચાવ્યો છે. પન્નુએ ફરી ભારત પર હુમલાનો ધમકીભર્યો વીડિયો જાહેર કર્યો છે. પન્નુએ વીડિયોમાં કહ્યું છે કે, મારી હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું છે. જેનો જવાબ હું 13મી ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને આપીશ. ઉલ્લેખનીય છે કે, 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર આતંકવાદી હુમલો થયો હતો.
પન્નુએ વીડિયોમાં કહ્યું કે, “ભારતીય એજન્સીઓએ તેની હત્યા કરવાની યોજના બનાવી હતી, જે નિષ્ફળ રહી છે. હવે હુમલાના પ્લાનિંગના જવાબમાં તે 13 ડિસેમ્બરે સંસદ પર હુમલો કરશે.” પન્નુએ વિડિયોમાં સંસદ ભવન પર હુમલાના દોષિત અફઝલ ગુરુ સાથે એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે ‘દિલ્હી પાકિસ્તાન બનશે’.
કાશ્મીરી આતંકવાદીઓ અને પાકિસ્તાનના એજન્ડાને આપી રહ્યો છે સમર્થન
પન્નુનો નવો વીડિયો જોયા બાદ સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે, પન્નુના વીડિયોની સામગ્રી સાંભળ્યા બાદ સ્પષ્ટ થાય છે કે પન્નુને આ સ્ક્રિપ્ટ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના K-2 ડેસ્ક દ્વારા આપવામાં આવી છે. હકીકતમાં, વીડિયોમાં એક તરફ પન્નુ ખાલિસ્તાનનો એજન્ડા ચલાવી રહ્યો છે, તો બીજી તરફ અફઝલ ગુરુનું નામ લઈને તે કાશ્મીરી આતંકવાદીઓ અને પાકિસ્તાનના કાશ્મીર એજન્ડાને પણ સમર્થન આપી રહ્યો છે. પન્નુના આ વીડિયો બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.
પન્નુ અગાઉ પણ આપી ચૂક્યો છે ધમકી
ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ થોડા સમય પહેલા એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે ધમકી આપી હતી કે તે શીખોને 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવા માટે કહી રહ્યો છે. તેણે જણાવ્યું કે, “19મી નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી ન કરો, નહીં તો તમારો જીવ જોખમમાં મુકાઈ જશે.” પન્નુએ વધુમાં દાવો કર્યો કે, દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ 19 નવેમ્બરે બંધ રહેશે અને તેનું નામ બદલવામાં આવશે.”
અમેરિકન એજન્સીઓએ આ આરોપ લગાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમેરિકન એજન્સીઓએ ભારતીય વ્યક્તિની ધરપકડ કરીને પન્નુની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. અમેરિકન એજન્સીઓએ દાવો કર્યો હતો કે ધરપકડ કરાયેલો આરોપી ભારતીય એજન્સીઓના નિર્દેશ પર કામ કરતો હતો. જોકે, ભારતે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. આ ઉપરાંત તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી છે.
આ પણ જુઓ :ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ ખાલિસ્તાની આતંકવાદીનું પાકિસ્તાનમાં મૃત્યુ