નિલેશ કુંભાણીને જ્યાં સંતાવું હોય ત્યાં સંતાઈ જાય હું તેને નહીં છોડું: કોંગ્રેસના પ્રતાપ દૂધાતની ચીમકી
સુરત, 24 એપ્રિલ 2024, લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ ટેકેદારોની ખોટી સહીઓના કારણે રદ થતાં કોંગ્રેસે શરમજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો છે.મંગળવારે સુરત સ્થિત નિલેશ કુંભાણીના ઘર પર ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’નાં પોસ્ટર લાગ્યાં હતાં. આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને આડે હાથ લીધા હતા. કુંભાણી અને તેમના ટેકેદારોને ચીમકી આપતાં કહ્યું હતું કે, તમારે જ્યાં કોઠીમાં ભાજપની આડમાં સંતાવું હોય ત્યાં સંતાઈ જજો, સુરતમાં તમે રહેશો અથવા પ્રતાપ દૂધાત રહેશે. હું નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું. તેમણે રાહુલ ગાંધીને નપુંસક કહેનાર આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપમાં જોડાઈ ગયેલા ભૂપત ભાયાણીને પણ આકરી ભાષામાં આડે હાથ લીધા હતાં.
કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાથી પરિણામ શું આવે હું તમને બતાવીશ
અમરેલીમાં કોંગ્રેસના કાર્યાલય પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતાં સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો પર પ્રહાર કર્યા હતા.પ્રતાપ દૂધાતે ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે પ્રતાપ દૂધાત સ્મશાને જશે ત્યાં સુધી એ સુરતના રણબંકાએ જે આપણી સાથે ગદ્દારી કરી છે એની રાખ થઈ જશે તો પણ સ્મશાનમાંથી મૂકવાનો નથી. હું પોતે આ લડાઈ લડવાનો છું. આ એટલે કહું છું કે તેણે પ્રજાની પીઠમાં ખંજર માર્યું છે. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે.
ભૂપત ભાયાણીને પણ આડે હાથ લીધા
નિલેશ કુંભાણી અને તેના ટેકેદારોને ધમકી આપતાં દૂધાતે કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર અને તેના ત્રણ ટેકેદાર તમારે જ્યાં કોઠીમાં ભાજપની આડમાં સંતાવું હોય ત્યાં સંતાઈ જજો. તમારે સી.આર. પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જતા રહેજો. 7 તારીખ પછી મારી લડાઈ શરૂ થશે. સુરતમાં કાં તમે રહેશો કાં પ્રતાપ દૂધાત રહેશે. તમને બતાવીશ કે કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાથી પરિણામ શું આવે હું ત્યાં આવીને બતાવીશ. તેમણે વિસાવદરમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાહુલ ગાંધીને નપુંસક કહેનાર આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપમાં જોડાઈ ગયેલા ભૂપત ભાયાણીને પણ આડે હાથ લેતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીમાં ખામી છે એવું તમારા પરિવાર વાળા જોવા ગયા હતાં?
નિલેશ કુંભાણીના ઘરે જઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં મોટો રાજકીય ડ્રામા થયો છે. નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ રદ થયાં બાદ અપક્ષ સહિત નાની પાર્ટીના 8 ઉમેદવારે પણ ફોર્મ પાછાં ખેંચ્યાં હતાં, જેના કારણે ભાજપના મુકેશ દલાલ બિનહરીફ થયા હતા. હવે નિલેશ કુંભાણી સંપર્કવિહોણા બનતાં કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મંગળવારે સવારે કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ લખેલાં બેનરો લગાવ્યાં હતાં. નિલેશ કુંભાણીના સરથાણા વિસ્તારમાં આવેલા ઘરની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું. પોલીસને જાણ થતાં જ દોડી આવી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતાં ઝપાઝપીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય જ નહીં, સામાજિક બહિષ્કાર થવો જોઈએ.
આ પણ વાંચોઃરાજકોટથી ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરૂઃ પદ્મિનીબાની ગેરહારજરીમાં નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન