કૂવામાં કૂદીને જીવ આપી દઈશ પણ કોંગ્રેસમાં નહીં જોડાઉ: Nitin Gadkari
કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે એકવાર એક રાજનેતાએ તેમને કોંગ્રેસમાં જોડાવાની સલાહ આપી હતી. ત્યારે કોંગ્રેસના નેતાની સલાહ પર તેમણે જવાબ આપ્યો કે તેઓ કોંગ્રેસના સભ્ય બનવા કરતાં કૂવામાં કૂદીને મરી જવાનું પસંદ કરશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ દાવો કર્યો હતો કે, BJPની સરકારે દેશમાં કોંગ્રેસના 60 વર્ષના શાસનની સરખામણીમાં છેલ્લા 9 વર્ષમાં દેશમાં બમણું કામ કર્યું છે.
કોણે સલાહ આપી નીતિન ગડકરીને કોંગ્રેસમાં જોડાવાની?
નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે શુક્રવારે મહારાષ્ટ્રના ભંડારામાં એક સભાને સંબોધતા નીતિન ગડકરીએ ભાજપમાં કામ કરવાના તેમના શરૂઆતના દિવસોને યાદ કર્યા. નીતિન ગડકરીએ કોંગ્રેસના દિવંગત નેતા શ્રીકાંત જિચકરે આપેલી સલાહને યાદ કરી. નીતિન ગડકરીએ કહ્યું કે શ્રીકાંતે મને એકવાર કહ્યું હતું કે તમે પાર્ટીના ખૂબ સારા કાર્યકર અને નેતા છો અને જો તમે કોંગ્રેસમાં જોડાઈ જશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ હશે. પરંતુ મેં તેમને કહ્યું કે હું કોંગ્રેસમાં જોડાવાને બદલે કૂવામાં કૂદી જઈશ કારણ કે મને ભાજપ અને તેની વિચારધારામાં પૂરો વિશ્વાસ છે અને તેના માટે કામ કરવાનું ચાલુ રાખીશ.
RSSની કરી પ્રશંસા
નીતિન ગડકરીએ RSSની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માટે કામ કરતી વખતે તેમના યુવા દિવસોમાં તેમનામાં સારા મૂલ્યો સ્થાપિત કરવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ પ્રશંસા કરી હતી. કૉંગ્રેસ વિશે વાત કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે, કૉંગ્રેસની રચના થઈ ત્યારથી તે ઘણી વખત વિભાજિત થઈ હતી.
કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
નીતિન ગડકરીએ કહ્યું કે આપણે આપણા દેશના લોકતંત્રના ઈતિહાસને ભૂલવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે આપણે ભવિષ્ય માટે ભૂતકાળમાંથી શીખવું જોઈએ. કોંગ્રેસ પર પ્રહાર કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે, કોંગ્રેસે પોતાના 60 વર્ષના શાસન દરમિયાન ‘ગરીબી હટાઓ’નો નારો આપ્યો, પરંતુ માત્ર અંગત લાભ માટે શૈક્ષણિક સંસ્થાઓ ખોલી.
યુપીના રસ્તા અમેરિકા જેવા થઈ જશે: નીતિન ગડકરી
નીતિન ગડકરીએ ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના તેમના વિઝન માટે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ તેના 60 વર્ષના શાસનમાં જે કરી શકી નથી તેના કરતા ભાજપ સરકારે છેલ્લા નવ વર્ષમાં બમણું કામ કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે થોડા દિવસો પહેલા જ્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં હતા ત્યારે તેમણે લોકોને કહ્યું હતું કે 2024ના અંત સુધીમાં યુપીના રસ્તા અમેરિકા જેવા થઈ જશે.
આ પણ વાંચો: મ્યુઝિયમનું નામ બદલાતા સંજય રાઉત થયા ગુસ્સે, કહ્યું- ઈતિહાસ ભૂંસી નાંખવા માંગે છે