ગુજરાત

સવારે પિતા સાથે સ્કૂલમાં જઈ એડમિશન લઈ આવ્યો, સાંજે રમતા રમતા પડી જતાં 15 વર્ષનો તરૂણ મૃત્યુ પામ્યો.. જુઓ ક્યાં બની આ ઘટના ?

Text To Speech
હાલમાં શાળામાં વેકેશનના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. બાળકો પણ છેલ્લા દિવસોમાં મન મુકીને આનંદ માણી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ગોંડલમાં એક એવી ઘટના સામે આવી છે કે જાણી સૌ કોઈનું હૈયું હચમચી જશે. ગોંડલ નગરપાલિકા સંચાલિત ભગવતસિંહજી ગાર્ડનમાં વેકેશનના અંતિમ દિવસોમાં ભૂલકાઓ અને કિશોરો હીચકા-લપસ્યાની મજા માણવા આવે છે. આ દરમિયાન મોવિયા રોડ પર રહેતા શ્રમિક પરિવારનો 15 વર્ષીય કિશોર ગઈકાલે અકસ્માતે ઝૂલે ઝૂલતા ઝૂલતા પડી ગયો હતો. આથી તેને ગંભીર ઇજા સાથે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં બે કરૂણતા સામે આવી છે. એક તો કે મૃતક કિશોર તેના મા-બાપનું એકનું એક સંતાન હતું અને બીજી એ કે તે પિતા સાથે હજુ તો સવારે શાળામાં એડમિશન લઈને આવ્યો હતો ત્યારબાદ સાંજે તે રમવા ગયો અને બનાવ ઘટી ગયો હતો.
કોણ છે મૃતક ? શુ કરે છે તેનો પરિવાર ? 
મૃતક મહમદહુસેન દોઢીયા
આ અંગે મળતી માહિતી મુજબ, મોવિયા રોડ પર પશુ દવાખાના નજીક હુસેની મસ્જિદની બાજુમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ઈમ્તિયાઝભાઈ દોઢીયાનો એકનો એક 15 વર્ષીય પુત્ર મહમદહુસેન મિત્ર સાથે કોલેજ ચોક પાસે આવેલા ભગવતસિંહજી ગાર્ડનમાં ઝૂલે ઝૂલવા માટે ગયો હતો. આ દરમિયાન તે ઝુલામાંથી લપસી પડતાં તેને ગંભીર ઇજાઓ સાથે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા શ્રમિક પરિવારના પગ તળેની જમીન સરકી ગઈ હતી. બનાવ અંગે ઈમ્તિયાઝભાઈ દોઢીયાએ જણાવ્યું હતું કે, અમારા પરિવારના એકના એક લાડકવાયાનું અકાળે નિધન થયું છે તેનું દુઃખ વર્ણવી શકાય તેમ નથી. હજુ તો ગઈકાલે સવારે અમે બાપ-દીકરો સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં તેના એડમિશન માટે ગયા હતા અને તેને એડમિશન પણ મળી ગયું હતું. ફોર્મ ભરતી વેળાએ તેણે મને કહ્યું હતું કે પપ્પા હું ફોર્મમાં અંગ્રેજીમાં સહી કરી આપું છું અને તેણે સહી પણ કરી હતી. સોમવારથી સ્કૂલ શરૂ થઈ રહી હોય રજાના એકાદ-બે દિવસ બાકી હોય મિત્ર સાથે બગીચામાં ઝૂલવા માટે પહોંચ્યો હતો. પરંતુ ઝુલામાંથી પડી જતા તેની સાથેના મિત્રોએ મને ફોન કર્યો હતો. આથી હું તુરંત હોસ્પિટલે પહોંચ્યો હતો અને થોડીવારમાં તો મારું સર્વસ્વ લૂંટાઇ ગયું.
Back to top button