તમે કહો તો અમે તમારા પગે પડીએ…: CM નીતિશ કુમાર એન્જિનિયર પર ભડક્યા, જૂઓ વીડિયો
- ના-ના સાહેબ, આવું ન કરો: બ્રિજ કન્સ્ટ્રક્શન એજન્સીના પ્રોજેક્ટ મેનેજર
પટના, 10 જુલાઇ: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. નીતિશ કુમાર આજે બુધવારે એક કાર્યક્રમ દરમિયાન એન્જિનિયર પર ગુસ્સે થઈ ગયા અને તેમણે પોતાની ખુરશી પરથી ઊભા થઈને હાથ જોડીને કહ્યું કે, ‘જો તમે કહો તો તમારા પગે પડું છું.’ જ્યારે સીએમએ આવું કહ્યું ત્યારે નજીકમાં હાજર નેતાઓ અને અધિકારીઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા અને એન્જિનિયર સાહેબની હાલત વધુ ખરાબ થઈ ગઈ.’ જે બાદ બ્રિજ કન્સ્ટ્રક્શન એજન્સીના પ્રોજેક્ટ મેનેજરે પાછળ હટીને કહ્યું કે, ‘ના-ના સાહેબ, આવું ન કરો.’ આ પછી મુખ્યમંત્રીએ તેમને સમયસર બ્રિજનું કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી.
હકીકતમાં, જેપી ગંગા પથના ગાયઘાટથી કંગન ઘાટ સુધીના ભાગના ઉદ્ઘાટન સમારોહમાં CM નીતિશ કુમાર અધિકારીઓ પાસેથી રાઘોપુર પુલના નિર્માણ કાર્યની પ્રગતિ વિશે માહિતી લઈ રહ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પરથી CM નીતિશ કુમાર અધિકારીને હાથ-પગ જોડાવાની વાત કરવા લાગે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિંહા, સમ્રાટ ચૌધરી અને વિધાનસભાના અધ્યક્ષ નંદ કિશોર યાદવ પણ ત્યાં હાજર હતા.
લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
મળતી માહિતી મુજબ, સીએમ નીતિશ કુમારે ઉન્નાવમાં લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર થયેલા બસ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને અકસ્માતમાં બિહારના લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. નીતિશ કુમારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બિહારના લોકોના આશ્રિતોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ઉત્તર પ્રદેશ સરકાર સાથે જરૂરી સંકલન સ્થાપિત કરવા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર અને તમામ શક્ય સહાય સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી.
નીતિશ કુમારે પોતાના જ મંત્રીઓનું એકબીજા સાથે માથું ટકરાવ્યું!
જો કે, આ પહેલીવાર નથી જ્યારે સીએમ નીતિશ કુમારે આ રીતે કોઈ અધિકારી સામે હાથ જોડ્યા હોય. અગાઉ સીએમ નીતિશ કુમારે જમીન સુધારણા વિભાગના અધિક મુખ્ય સચિવ દીપક કુમાર સિંહ સામે પણ હાથ જોડાવાની વાત કરી હતી. આ પહેલા નીતીશ કુમારની અલગ સ્ટાઈલ પણ જોવા મળી હતી. જૂનમાં રાજધાની પટનામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે અશોક ચૌધરી અને વિજય સિન્હાનું એકબીજા સાથે માથા ટકરાવ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર અન્ય લોકો પણ હસતા જોવા મળ્યા હતા.
CM નીતિશ કુમાર પીએમ મોદીના ચરણ સ્પર્શ કરવા ઝુક્યા હતા
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બહાર આવ્યા બાદ ભાજપે NDA સંસદીય દળના નેતાની પસંદગી કરવા માટે તમામ ઘટક પક્ષો સાથે બેઠક યોજી હતી. જ્યારે પીએમ મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે બિહારના સીએમ નીતિશ કુમાર તેમનું ભાષણ પૂરું કરીને સીધા પીએમ મોદી પાસે ગયા હતા. તેમણે પહેલા પીએમ મોદી સાથે હાથ મિલાવ્યા અને બાદમાં તેમના ચરણ સ્પર્શ કરવા માટે નીચે ઝૂકી ગયા હતા. જો કે વડાપ્રધાન મોદીએ તેમને આમ કરતા અટકાવ્યા હતા.
આ પણ જુઓ: દિલ્હીમાં મોટો રાજકીય ખેલ: AAPના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ સહિત ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા