‘I Love You Rasna : કેવી રીતે થયું ઘર ઘરમાં પ્રખ્યાત ?
- ઓરેન્જ ફ્લેવરના આ ડ્રિંકનુ નામ પહેલા ‘જાફે’ રાખવામાં આવ્યુ
- 80- 90ના દાયકાની જાહેરાતે Rasnaને ઘર ઘરમાં લોકપ્રિય બનાવ્યુ
રસનાનું નામ આજે કોઇ ઓળખનુ મોહતાજ નથી. માત્ર ભારત જ નહીં, પરંતુ કેટલાય દેશોમાં લોકોને ગરમીથી રાહત અપાવવાનું કામ તેણે કર્યુ છે. રસનાને ઓળખ અપાવનાર તેના ફાઉન્ડર અને ચેરમેન અરીઝ પિરોજશાહ ખંભાતાનું તાજેતરમાં નિધન થયુ છે. શું તમે જાણો છો કે રસનાને ઘર ઘરમાં ઓળખ કેવી રીતે મળી, રસનાનો આઇડિયા તેમને કેવી રીતે આવ્યો અને લોકપ્રિય પણ થયો.
70ના દાયકામાં થઇ હતી શરૂઆત
Rasnaના ફાઉન્ડર અરીઝ ખંભાતાએ 85 વર્ષની ઉંમરમાં આખરી શ્વાસ લીધો. તેઓ બેનેવોલેન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના ચેરમેન પણ હતા. ખંભાતાએ 1970ના દાયકામાં સસ્તા પીણાં ઉપલબ્ધ કરાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો. તેમણે અમદાવાદમાં એક રેડી ટુ સર્વ સોફ્ટ ડ્રિંક્સ રજુ કર્યુ. ઓરેન્જ ફ્લેવરના આ ડ્રિંકનુ નામ ‘જાફે’ રાખવામાં આવ્યુ, જોકે શરૂઆતમાં ખંભાતાની આ પ્રોડક્ટ નામ ન કમાઇ શકી, ત્યારબાદ તેમણે પોતાના સોફ્ટ ડ્રિંક્સનુ નામ બદલવાનુ નક્કી કર્યુ.
‘જાફે’થી બદલીને Rasna નામ કર્યુ
વર્ષો સુધી જાફેનુ નામ ચેન્જ કરવા માટે રિસર્ચ થયુ અને આખરે ખંભાતાને એક નવુ નામ મળી ગયુ. વર્ષ 1979માં તેમણે પોતાના સોફ્ટ ડ્રિંકને રિલોન્ચ કર્યુ અને તેને Rasna નામ આપ્યુ. ત્યારબાદ તો Rasnaએ જે ગતિ પકડી તેણે કંપનીને બુલંદીઓ પર પહોંચાડી દીધી. આમીર હોય કે ગરીબ દરેક વ્યક્તિ તેને ખરીદીને તરસ છીપાવી શકે એ ઉદ્દેશ્ય સાથે ખંભાતા ફેમિલિ આ પ્રોડક્ટને લઇને આગળ વધતી ગઇ. રસના આજે પણ એક રૂપિયાના પેકથી લઇને વિવિધ રેટમાં ઉપલબ્ધ છે.
જાહેરાતે કમાલ કરી દીધી
રસનાની સફળતાની પાછળ 80થી 90ના દાયકામાં ચર્ચિત રહેલી તેની જાહેરાતનુ પણ મોટુ યોગદાન માનવામાં આવે છે. તેની ટેગલાઇન હતી ‘I Love You Rasna’.આ જાહેરાતમાં દેખાનારી પહેલી રસના ગર્લ અંકિતા જાવેરી હતી. ત્યારબાદ તરુણી સચદેવા અને મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સહિત ઘણી જાણીતી હસ્તીઓ તેની એડમાં જોવા મળી. આ જાહેરખબરે લોકોના દિલ જીતી લીધા અને ઘર ઘરમાં તેને પ્રસિદ્ધિ અપાવી.
દુનિયાભરના 60 દેશોમાં વેચાણ
ખુબ જ ઓછા સમયમાં રસનાએ જબરજસ્ત લોકપ્રિયતા મેળવી. આ પીણાંની બ્રાન્ડ દુનિયાભરના 60 દેશોમાં વેચાય છે. રસના હવે દુનિયાની સૌથી મોટી સોફ્ટ ડ્રિંક નિર્માતા કંપની છે. Rasna હવે ગરમીથી છુટકારા સાથે સ્વાદનુ પણ નામ બની ગયુ છે.
આ પણ વાંચોઃ ચૂંટણી 2022 : બનાસકાંઠા જિલ્લાની નવ બેઠક ઉપર 75 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ