બાગાયતી ખાતાની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
- આઈ-ખેડૂત પોર્ટલ થકી બાગાયતી સહાય મેળવવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે
- ખેડૂતો 31 ઓકટોબર સુધી સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે
ભુજ જિલ્લા માહિતી કચેરી દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે તા.૩૧ ઓકટોબર સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે શુક્રવારે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેના થકી ખેડૂતો બાગાયતી સહાય મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે. ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી જરૂરી સાધનિક પુરાવા સાથે અરજી ભુજની નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે.
બાગાયતી ખાતાની કઈ-કઈ યોજનાઓમાં ખેડૂતો સહાય અરજી કરી શકશે ?
બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે કાચા-અર્ધ પાકા મંડપ, સરગવાની ખેતીમાં સહાય, આંબા-જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ડ્રેગન ફ્રૂટ/કમલમ ફળ પાકની ખેતીમાં સહાય, કોમ્પ્રીહેંસીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ટીસ્યૂ કલ્ચર છોડ દ્વારા ખારેકની ખેતીમાં સહાય, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, ફળ પાક ઉગાડવાના મટીરિયલમાં સહાય, બાગાયતી પાકોના પ્રોસેસીંગ યુનિટ ઉભા કરવા, ડીસ્ટીલેશન યુનિટમાં સહાય, ખેતર પરના શોર્ટીગ ગ્રેડીંગ ઉભા કરવા વગેરે જેવા ઘટકોમાં સહાય મેળવવા માટે તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
આ બાગાયતી સહાય મેળવવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી જરૂરી સાધનિક પુરાવા સાથે અરજી ભુજની નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે. વધુ વિગતો આઈ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે. તેમજ અન્ય કોઈ પૂછપરછ માટે ભુજના બહુમાળી ભવનમાં બીજો માળે રૂમ નં: ૩૧૦ની નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવા સર્વે ખેડૂતોને કચ્છના નાયબ બાગાયત નિયામકની અપીલ છે.
આ પણ જાણો :રાજકોટમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન