રાજકોટમાં નવાજૂનીના એંધાણઃ મોહન કુંડારિયા રૂપાલાના ડમી ઉમેદવાર બને તેવી અટકળો
રાજકોટ, 01 એપ્રિલ 2024 ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ત્યારે ઘણા દિવસથી રાજ્યભરમાં રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવવા માટે માગ કરવામાં આવી રહી છે. રૂપાલાએ માફી માગી લીધી હોવા છતાં વિરોધ શાંત પડ્યો નથી. રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું હોવાની અટકળો ચાલી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાએ આજે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું કે મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી. મોહન કુંડરિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. આ ઉપરાંત રૂપાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની વાતને પણ રદિયો આપતાં કહ્યું હતું કે એ પાર્લમેન્ટરી બોર્ડનો વિષય છે. એની અટકળો ના કરવાની હોય. આજે પહેલી 1 એપ્રિલ છે એટલે એમાં પડવું જ ન જોઇએ.
મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ માફ કર્યો છે
રૂપાલાએ આગળ કહ્યું હતું કે ત્રણ-ચાર દિવસમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જઈ શકું છું. મને ઉમેદવારપદેથી રદ કરવો કે યથાવત્ રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે. સમાજને પોતાની વાત કરવાનો અધિકાર છે. મેં માફી માગી લીધી છે. હવે કોમેન્ટ કરવા માગતો નથી. માત્ર ધર્મ પ્રમાણે માફી આપી દે એ પ્રકારની વાતો અમે પણ કરી રહ્યા છીએ. મારે જે કહેવાનું હતું એ કહી દીધું છે. દલિત સમાજ વિશે મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં, મેં એટલું જ કહ્યું હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો. મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો એટલે એમા રાજકીય ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ન હોય. હવે મને એવું લાગે છે કે આ વિષયને અટકાવીએ દઈએ અને એના પર ડિબેટ કરવાથી એનો અંત આવશે નહીં.મેં ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ માફ કર્યો છે.
કુંડારિયાને ડમી ઉમેદવાર બનાવતાં નવાજૂની થવાનાં એંધાણ
જોકે મોહન કુંડારિયાને ડમી ઉમેદવાર બનાવવાની વાત ગળે ઊતરે એવી નથી, કારણ કે કોઈપણ ઉમેદવારનો ડમી ઉમેદવાર જેની ટિકિટ કપાઈ હોય એ હોતો નથી, પરંતુ રૂપાલાની ઉમેદવારીમાં કુંડારિયા ડમી ઉમેદવાર બને તો કંઈક નવાજૂની થવાની શક્યતા છે. મોટા ભાગે ટિકિટના દાવેદારને ડમી ઉમેદવાર બનાવવામાં આવતા હોય છે.પરષોત્તમ રૂપાલાથી હવે દલિત સમાજ પણ નારાજ થયો છે. ગોડલમાં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા એટ્રોસિટિ એક્ટ હેઠળ ગુનો નોધવા અરજી કરાઇ છે. મંથલી પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. કાર્યક્રમ કોઇ કામનો ન હોવાના નિવેદનને લઇ દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ગોડલમાં ક્ષત્રિય સંમેલનમાં કરેલા નિવેદનને લઇ દલિત સમાજની લાગણી દુભાઇ છે.
આ પણ વાંચોઃપરશોત્તમ રૂપાલાનો વિરોધ ઉગ્ર બન્યો, નિવેદનનો પડઘો હવે આણંદમાં પણ પડયો