મહારાષ્ટ્રમાં નવી વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ, CM-DyCM સહિત અનેક MLAએ લીધા શપથ


- આ વિશેષ સત્ર ત્રણ દિવસ માટે રહેશે જેમાં નવા સ્પીકરની પણ પસંદગી કરવામાં આવશે
મુંબઈ, 7 ડિસેમ્બર: મહારાષ્ટ્રમાં આજે શનિવારથી નવી વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ થઈ ગયું છે. પ્રો-ટેમ સ્પીકર કાલિદાસ કોલામ્બકર નવા ચૂંટાયેલા 288 ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યા છે. નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજીત પવારે શપથ લીધા છે. વિશેષ સત્ર ત્રણ દિવસ માટે રહેશે જેમાં નવા સ્પીકરની પણ પસંદગી કરવામાં આવશે. નવા સ્પીકરની ચૂંટણી 9 ડિસેમ્બરે યોજાશે. આ પછી, મહાયુતિ સરકાર માટે ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે. વિશ્વાસ મત પસાર થયા બાદ રાજ્યપાલ વિધાનસભાના બંને ગૃહોને સંબોધિત કરશે.
કેબિનેટ વિસ્તરણની સંભવિત તારીખ
મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ પણ ક્યા પક્ષને કયું મંત્રાલય મળશે તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. કેબિનેટને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે આજે શનિવારે મહાયુતિની બેઠક યોજાઈ શકે છે જ્યારે 11-12 ડિસેમ્બરે કેબિનેટ વિસ્તરણની શક્યતા છે. હવે પ્રશ્ન એ છે કે મહાયુતિ, ભાજપ, શિવસેના અને NCPના ઘટક પક્ષોને કેટલા વિભાગો આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં CMની સાથે 43 મંત્રીઓ બનાવવામાં આવી શકે છે. ભાજપ સૌથી મોટો પક્ષ હોવાથી તેની પાસે સૌથી વધુ વિભાગો હોવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ, ભાજપને 21-22 મંત્રાલયો મળી શકે છે જ્યારે અન્ય મોટી પાર્ટી એકનાથ શિંદેની શિવસેનાને 11-12 અને અજીત પવારની એનસીપીને 9-10 વિભાગો મળી શકે છે.
કોને કયો વિભાગ મળશે?
મહારાષ્ટ્રમાં નાણા વિભાગ અને ગૃહ વિભાગને લઈને ખાસ ખેંચતાણ ચાલી રહી છે. એકનાથ શિંદે ગૃહ વિભાગ ઈચ્છે છે પરંતુ અગાઉની સરકારની જેમ ભાજપ આ વિભાગ રાખશે જ્યારે અજીત પવારને નાણા આપવામાં આવી શકે છે. તે જ સમયે, એકનાથ શિંદેને મહેસૂલ અને શહેરી વિકાસ જેવા મહત્ત્વપૂર્ણ મંત્રાલયો સોંપવામાં આવી શકે છે. ભાજપના એક નેતાએ કહ્યું છે કે, મંત્રીઓની સંખ્યા અંગેની સ્થિતિ આગામી એક-બે દિવસમાં સ્પષ્ટ થઈ જશે.
આ પણ જૂઓ: નોટબંધી પછી મોટો નિર્ણય, હવે બોગસ એકાઉન્ટ ઉપર થશે સર્જિકલ સ્ટ્રાઈક