ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મેં મોદી સરકાર છોડવાની વાત કરી જ નથી: કેરળના સાંસદ સુરેશ ગોપીની સ્પષ્ટતા

  • હું મંત્રી પરિષદમાંથી રાજીનામું નથી આપી રહ્યો, અફવા ફેલાવવામાં આવી રહી છે: સુરેશ ગોપી

નવી દિલ્હી, 10 જૂન: સુરેશ ગોપીએ કેરળમાં ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર સાંસદ છે. સુરેશ ગોપી દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર છે. 9 જૂને તેમણે PM નરેન્દ્ર મોદી સાથે મંત્રી તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન આજે સોમવારે એક અફવા ફેલાવા લાગી હતી. જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે, સુરેશ ગોપી તેમના પદ પરથી રાજીનામું આપવા માંગે છે કારણ કે તેમની પાસે ઘણા ફિલ્મ પ્રોજેક્ટ છે અને તેઓ મંત્રી પદ પરથી રાજીનામું આપીને ફિલ્મોમાં કામ કરવા માંગે છે. પરંતુ હવે ખુદ સુરેશ ગોપીએ પોતાના વિશે ચાલતી અફવાઓનું ખંડન કર્યું છે. હકીકતમાં, સુરેશ ગોપીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી છે.

 

સુરેશ ગોપીએ સત્તાવાર નિવેદન આપ્યું 

સુરેશ ગોપીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર) પર લખ્યું કે,”કેટલાક મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે, હું મોદી સરકારની કેબિનેટમાંથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. આ ખરેખર ખોટું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે કેરળના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ.” મહત્ત્વપૂર્ણ છે કે, રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં સુરેશ ગોપીએ મંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ આ પછી સુરેશ ગોપીએ એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, “મારે મંત્રી પદની જરૂર નથી.” સુરેશ ગોપીએ વધુમાં કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં મંત્રી પદ પરથી મુક્ત થઈ જશે.

ત્રિશૂરથી ભાજપના સાંસદ

જો કે, સુરેશ ગોપીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક નિવેદન શેર કરીને આ અંગે સ્પષ્ટતા કરી અને કહ્યું કે, તેઓ મંત્રી પદને અલવિદા નહીં કહે અને મોદી સરકારના નેતૃત્વમાં કેરળનો વિકાસ કરશે. મહત્ત્વપૂર્ણ છે કે, સુરેશ ગોપી ત્રિશૂર લોકસભા બેઠકથી સાંસદ છે. કેરળમાં લોકસભાની ચૂંટણીમાં સુરેશ ગોપીને કારણે પ્રથમ વખત કમળ ખીલ્યું છે. અહીં તેમનો મુકાબલો CPIના સુનિલ કુમાર સાથે હતો, જેમને તેમણે 75 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુરેશ ગોપી સિવાય કેરળના અન્ય એક નેતાને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. બીજેપી નેતા જ્યોર્જ કુરિયને પણ રવિવારે કેરળમાં મંત્રી પદના શપથ લીધા હતા.

આ પણ જુઓ: મોદી સરકાર 3.0 નું પ્રથમ સંસદ સત્ર 18 જૂનથી થઈ શકે છે શરુ, 20 જૂને લોકસભા અધ્યક્ષ માટે ચૂંટણી

Back to top button