ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

મેં તો આવું કંઈ કહ્યું જ નથીઃ સોનુ નિગમે કર્યો ખુલાસો, કહ્યું યોગ્ય ચકાસણી નહીં કરનાર મીડિયા પણ…

  • સોનુ નિગમ નામના X એકાઉન્ટથી બુધવારે વાયરલ થયેલી એક પોસ્ટ ખરેખર કોની હતી?

મુંબઈ, 6 જૂનઃ આ વખતના લોકસભા ચૂંટણીનાં પરિણામોએ કેટલાક લોકોને હતપ્રભ કરી દીધા છે તો કેટલાકને ખુશીના માર્યા ગલગલિયાં થઈ રહ્યા છે. આ સંજોગોમાં મીડિયા અને સોશિયલ મીડિયા બધા સત્યની ખાતરી કર્યા વિના હિલોળે ચડ્યા છે. આવું જ કંઈક થયું ફિલ્મ ઉદ્યોગના વર્તમાન સમયના સર્વશ્રેષ્ઠ ગાયક સોનુ નિગમની બાબતમાં.

હકીકતે પરિણામના દિવસે ચોથી જૂનને મંગળવારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ. આ પોસ્ટ સોનુ નિગમ નામે X હેન્ડલ ઉપર થઈ હતી જે જોતજોતામાં વાયરલ થઈ ગઈ. સોનુ નિગમનું નામ વાંચીને અનેક યુઝર તેને રિપોસ્ટ અને રિશૅર કરવા લાગ્યા.

એ વાયરલ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, જે સરકારે સમગ્ર અયોધ્યાને ચમકાવી દીધું, નવું એરપોર્ટ આપ્યું, રેલવે સ્ટેશન આપ્યું, 500 વર્ષ પછી રામ મંદિર બનાવી આપ્યું, એક સમગ્રતયા મંદિર અર્થતંત્ર બનાવી આપ્યું એ પક્ષને અયોધ્યાજીની બેઠક ઉપર સંઘર્ષ કરવો પડી રહ્યો છે. શરમ કરો અયોધ્યાવાસીઓ.

પોસ્ટ વાયરલ થતાંની સાથે મીડિયા પણ તેમાં કૂદી પડ્યું. મોટીમોટી સમાચાર ચૅનલો અને તેમનાં ન્યૂઝ પોર્ટલ ઉપર સોનુ નિગમ નામના X હેન્ડલની પોસ્ટના સમાચાર પ્રકાશિત થવા લાગ્યા. કોઈએ કશી ખાતરી કરવાની તસ્દી ન લીધી અને વા વાયા ને નળિયું ખસ્યું, કોઈ કહે મેં દીઠો ચોર… જેવી સ્થિતિ થઈ ગઈ.

પરંતુ હકીકત કંઈક જુદી જ નીકળી. પોસ્ટ વાયરલ થયા બાદ એક સમાચાર ચૅનલના ઉત્સાહી પત્રકારે સોનુ નિગમના પ્રતિભાવ લેવા માટે તેમનો સંપર્ક કર્યો. અને ત્યારે આખી વાતનો ખુલાસો થયો કે એ પોસ્ટ ગાયક સોનુ નિગમે કરી જ નથી! મીડિયા સાથે વાત કરતાં પોતાની વ્યથા વ્યક્ત કરતા સોનુ નિગમે જણાવ્યું કે, ટોચના મીડિયામાંથી કોઈએ એ X હેન્ડલની ચકાસણી કરવાની તસ્દી જ ન લીધી. એ એક્સ હેન્ડલ સોનુ નિગમના નામે છે ખરું, પરંતુ નામ ધ્યાનથી વાંચો તો તેમાં સોનુ નિગમ સિંહ લખેલું છે. તે ઉપરાંત તેનો બાયો વાંચો તો તરત ખ્યાલ આવે છે કે, એ સોનુ નિગમ સિંહ બિહારના કોઈ ક્રિમિનલ લૉયર છે. ગાયક સોનુ નિગમે જણાવ્યું કે, સોશિયલ મીડિયા, ખાસ કરીને ટ્વિટર ઉપર આવી ગંદકી હોવાને કારણે જ મેં સાત વર્ષ પહેલાં ટ્વિટર છોડી દીધું હતું.

યાદ રહે, સોનુ નિગમના નામે આ પોસ્ટ વાયરલ થયા પછી અનેક લોકોએ તેને ખૂબ અભદ્ર ભાષામાં જવાબ આપ્યા હતા.

આ પણ વાંચોઃ નિવૃત્ત સૈન્ય કર્મચારીઓ માટે પેન્શન સુવિધા સરળ બનાવવા MoU, જાણો વિગતો

Back to top button