- ધીરુભાઇ અંબાણી વિષે સાંસદ પરિમલ નથવાણી લિખિત ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’ પુસ્તકનું વિમોચન થયું
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પુસ્તકોનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે લોકાર્પણ કરાયું
- રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અતિથિ વિશેષ તરીકેની પ્રેરક ઉપસ્થિતિ રહી
‘આજે હું જે છું તે માત્ર ધીરૂભાઇને લીધે જ છું’, આ શબ્દો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીની છે. તેમના દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે આજ રોજ ગાંધીનગરમાં રાજભવનમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે સમયે તેમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. જેમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અતિથિ વિશેષ તરીકેની ઉપસ્થિતિએ આ ગ્રંથપ્રાગટ્ય સમારંભને ગરિમાપૂર્ણ બનાવ્યો હતો. શ્રી પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’ નવભારત પબ્લિકેશન દ્વારા ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ગુજરાતી અને હિન્દીમાં પુસ્તકનું શીર્ષક ‘એકમેવ ધીરુભાઇ અંબાણી’ અને અંગ્રેજીમાં તેનું શીર્ષક ‘ધ વન ઍન્ડ ઓન્લી ધીરુભાઇ અંબાણી’ રાખવામાં આવ્યું છે.
View this post on Instagram
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ ડી. અંબાણીએ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. આ પુસ્તકમાં ધીરુભાઇના અવસાન બાદ સમયાંતરે પરિમલ નથવાણીએ ધીરુભાઇ વિષે વિભિન્ન અખબારો વગેરેમાં લખેલા લેખોનું સંપાદન છે. શ્રી પરિમલ નથવાણીએ ઘણાં લાંબા સમય સુધી રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ચેરમેન શ્રી ધીરુભાઈ અંબાણી સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું હતું. તેમના શ્રી ધીરુભાઈ અંબાણી સાથેના આ કાર્યકાળ દરમિયાન તેઓ ધીરુભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેકનોલોજી અને યુવાનો પરનો વિશ્વાસ, વગેરેથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ પુસ્તકમાં શ્રી નથવાણીએ શ્રી ધીરુભાઈ સાથેના તેમના અનુભવોને શાબ્દિક સ્વરૂપ આપ્યું છે. શ્રી ધીરુભાઈ અંબાણીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ, જેમ કે એક વિચારક, એક ઉદ્યોગ સાહસિક, એક સ્વપ્નદૃષ્ટા, પરિવારના મોભી, એક રોલ મોડલ, વગેરેને સુપેરે આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યાં છે.
આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપતાં આ પુસ્તકના લેખક તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “શ્રી ધીરુભાઈ અંબાણી સાથેનો મારો નાતો જગજાહેર છે. ફલતઃ આ પુસ્તકની વિગતોમાં મારા આદર્શ પુરૂષ શ્રી ધીરુભાઈ અંબાણીની મારા મન પર પડેલી અસર, મારાં અવલોકનો અને મને થયેલી વિવિધ અનુભૂતિ વગેરે પ્રતિબિંબિત થઇ છે અને તે સ્વાભાવિક પણ છે.”
આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું છે કે, “પરિમલભાઈએ મારા પિતા સાથેના એમના સંબંધો તેમજ મારા પિતાની જીવનશૈલીને આલેખતા અનેક પ્રસંગો યાદ રાખીને આ પુસ્તકમાં સમાવ્યા છે અને આ પુસ્તક લોકોને વાંચવું ગમે, પ્રેરણાદાયી બને એવું લાગે છે, એ માટે મારે પરિમલભાઈને ધન્યવાદ આપવા છે. મારા પિતા વિશે આ પુસ્તકમાં ઘણું લખાયું છે. અંબાણી પરિવાર તેમજ રિલાયન્સ ઉદ્યોગગૃહની ઝીણીઝીણી કેટલી ઘટનાઓનું સંકલન આ પુસ્તકમાં છે, જે મને લાગે છે કે પરિમલભાઈ સિવાય બીજું કોઇ સમાવી ન શક્યું હોત.” આ પુસ્તક વિમોચન પ્રસંગે માનનીય મંત્રી શ્રી રાઘવજી પટેલ, માનનીય મંત્રી શ્રી મુળૂભાઇ બેરા, માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સાંસદો સુશ્રી પૂનમબેન માડમ, શ્રી રાજેશ ચુડાસમા, ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા, વિવિધ ઉદ્યોગગૃહોના વડાઓ, રાજ્યના મુખ્ય સચિવશ્રી, ડીજીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ, પ્રતિનિધિઓ, અખબારી જગતના મહાનુભાવો સહિતના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.