ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

હું મારો પદ્મશ્રી એવોર્ડ પરત કરી રહ્યો છુંઃ બજરંગ પૂનિયા

નવી દિલ્હી, 22 ડિસેમ્બર : સ્ટાર રેસલર બજરંગ પૂનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે. તે માટે તેણે પીએમ મોદીને પત્ર લખ્યો છે. દેખીતી રીતે ગઈકાલે (ગુરુવારે) યોજાયેલી કુસ્તી સંઘની ચૂંટણીનાં પરિણામનો આ પડઘો છે જેમાં સંજય સિંહ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી જીત્યા હતા. સંજયસિંહ ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સહયોગી રહ્યા છે. સંજય સિંહ પ્રમુખ બન્યા બાદ બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત ઘણા રેસલર નારાજ છે. આ કુસ્તીબાજો લાંબા સમયથી બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહ્યા છે. આ તમામની માંગ હતી કે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ પદ પર મહિલા હોવી જોઈએ.

ગઈકાલે સંજય સિંહની ચૂંટણી બાદ સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ જ પ્રેસ કોન્ફરન્સમાં સાક્ષીએ રેસલિંગ છોડવાની જાહેરાત કરી હતી. સાક્ષીએ કહ્યું હતું કે, ‘અમે દિલથી લડ્યા હતા, પરંતુ જો બિઝનેસ પાર્ટનર અને બ્રિજ ભૂષણ જેવા વ્યક્તિના નજીકના સહયોગી WFIના પ્રમુખ તરીકે ચૂંટાયા છે, તો હું કુસ્તી છોડી દેવાનો નિર્ણય કરું છું. આજથી તમે મને મેટ પર નહિ જોવો. આ દરમિયાન સાક્ષી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.

બજરંગ પૂનિયાએ પીએમને લખ્યો પત્ર

સંજય સિંહના અધ્યક્ષ બન્યા બાદ સાક્ષી મલિકે ગુરુવારે (21 ડિસેમ્બર) નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે એક દિવસ બાદ રેસલર બજરંગ પુૂનિયાએ પણ મોટું પગલું ભર્યું છે. બજરંગ પૂનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે. બજરંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પુનિયાએ આ પત્ર X પર પણ શેર કર્યો છે. બજરંગ પુનિયાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. આ માત્ર કહેવા માટે મારો પત્ર છે, આ મારું નિવેદન છે.

પદ્મશ્રી એવોર્ડ-humdekhengenews

વર્ષ 2019માં પદ્મશ્રી મળ્યો હતો

29 વર્ષીય બજરંગ પૂનિયાને વર્ષ 2019માં પદ્મશ્રી મળ્યો હતો. પૂનિયાએ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો, તેમજ બજરંગે 2019 માં કઝાકિસ્તાનના નૂર સુલ્તાનમાં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચીને પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. બજરંગે તે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં આ તેનો ત્રીજો મેડલ હતો. જો કે બજરંગને ટોક્યો ઓલિમ્પિક 2020માં સુવર્ણ ચંદ્રક જીતવાની અપેક્ષા હતી, પરંતુ તેને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. 65 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેચમાં બજરંગ પુનિયાએ કઝાકિસ્તાનના કુસ્તીબાજ દૌલત નિયાઝબેકોવને 8-0થી હરાવ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ફરી ગોલ્ડ જીત્યો

બજરંગ પૂનિયાએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં બજરંગ પૂનિયાએ એલ. મેક્લીનને 9-2થી હરાવ્યો. બજરંગ પૂનિયાનો કોમનવેલ્થ ગેમ્સમાં આ સતત બીજો અને એકંદરે ત્રીજો ગોલ્ડ મેડલ હતો.

બજરંગ પૂનિયાએ ઘણા મેડલ જીત્યા છે

ઓલિમ્પિક્સ
– ટોક્યો ઓલિમ્પિક્સ 2020 (65 કિગ્રા): બ્રોન્ઝ

વર્લ્ડ ચેમ્પિયનશિપ
– બુડાપેસ્ટ 2018 (65 કિગ્રા): સિલ્વર
– બુડાપેસ્ટ 2013 (60 કિગ્રા): બ્રોન્ઝ
– નૂર-સુલતાન 2019 (65 કિગ્રા): બ્રોન્ઝ
– બેલગ્રેડ 2022 (65 કિગ્રા): બ્રોન્ઝ

એશિયન ગેમ્સ
– જકાર્તા 2018 (65 કિગ્રા): ગોલ્ડ
– ઇંચિયોન 2014 (61 કિગ્રા): સિલ્વર

કોમનવેલ્થ ગેમ્સ
– ગોલ્ડ કોસ્ટ 2018 (65 કિગ્રા): ગોલ્ડ
– બર્મિંગહામ 2022 (65 કિગ્રા): ગોલ્ડ
– ગ્લાસગો 2014 (61 કિગ્રા): સિલ્વર

આ પણ વાંચો : એક જ દિવસે આવ્યા કોર્ટના ચુકાદા, બે ભૂતપૂર્વ મંત્રીઓ થયા દોષિત જાહેર

Back to top button