કોંગ્રેસ દ્વારા પોતાની પ્રસ્તાપિત વોટબેંક તરફ પાછા વળવાનાં એંધાણ, સ્પેશિયલ ક્વોટાની તૈયારીઓ શરૂ ?
ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી નવ દિવસ કોકરાઝાર જેલમાં વિતાવ્યા બાદ હાલ જામીન પર બહાર છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના એક નેતા દ્વારા જીજ્ઞેશએ કરેલ એક ટ્વિટના સંબંધમાં આસામમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ પર તેમને પાલનપુરના સર્કિટ હાઉસમાંથી મધરાતે ઉપાડવામાં આવ્યા હતા અને ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા. એ વાત પણ વિદિત છે કે, જીજ્ઞેશ મેવાણીને જામીન આપતા કોર્ટે આસામ પોલીસને ફટકાર લગાવી હતી. તે જ સમયે, જામીન પર બહાર આવ્યા બાદ જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી તેમની સાથે મજબૂતીથી ઉભા છે.
આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવા અંગે વાત કરતા, જીજ્ઞેશ મેવાણીએ કહ્યું, “હું આહત અને દુઃખી છું, જામીન મળવાથી ચોક્કસપણે રાહત અનુભવી રહ્યો છું, પણ કારણ વગર હેરાનગતિને કારણે દુઃખી પણ છું. જ્યાં સુધી આ બંને કિસ્સાઓ (ટ્વીટ અને મહિલા પોલીસ અધિકારી પરના કથિત હુમલો) સંબંધિત છે ત્યાં સુધી હું સંપૂર્ણપણે નિર્દોષ છું.
વડગામના ધારાસભ્યએ કહ્યું, “મને આનંદ છે કે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં, મારા મતવિસ્તાર સહિત બરોડા, સુરત, અમદાવાદ, કચ્છ, સૌરાષ્ટ્રના લોકો મારા સમર્થનમાં બહાર આવ્યા છે. લોકોની ભીડ વચ્ચે કેટલાક ભાજપના સમર્થકો પણ પોતાનો ચહેરો સંતાડીને ત્યાં હાજર હતા. મને માત્ર કોંગ્રેસી તરીકે જ નહીં, પણ ‘દલિત પુત્ર’ તરીકે જોવામાં આવ્યો છે તે વાતનું મને ગર્વ છે.
રાહુલ-કોંગ્રેસે મારા દરેક પગલાને સમર્થન આપ્યું – તેમણે કહ્યું કે કોંગ્રેસ સમગ્ર મામલામાં તેમની સાથે મક્કમતાથી ઉભી રહી અને ઉભી છે અને પાર્ટીએ મને દરેક સ્તરે સમર્થન આપ્યું છે. મેવાણીએ કહ્યું, “કોઈએ મારા વતી રાહુલ ગાંધીને ફોન કર્યો. કદાચ તે વિદેશમાં હતા અને સૂતા હતા. તેણે ફોન રિસીવ કર્યો, ધ્યાનથી સાંભળ્યો અને પછી દિલ્હીમાં પાર્ટીના લોકોને સૂચના આપી. “જગદીશ ઠાકોર (ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ) અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાંથી મને લઈ જવામાં આવ્યો હતો… પવન ખેરા અને રણદીપ સુરજેવાલાએ મીડિયા સાથે વાત કરી… આસામ કોંગ્રેસના પ્રમુખ અને વકીલોની ટીમ મારી પાસે આવી હતી. યુથ કોંગ્રેસના લોકો સતત 12-14 કલાક સુધી પોલીસ સ્ટેશનની બહાર હતા. એક પણ દિવસ એવો નહોતો, જ્યારે આસામમાં મારા સમર્થનમાં વિરોધ ન થયો હોય.