હ્યુન્ડાઈ ભારતમાં સસ્તી ઇલેક્ટ્રિક કાર કરશે લોન્ચ…
હ્યુન્ડાઈ મોટર ટૂંક સમયમાં ભારતમાં સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી શકે છે. દક્ષિણ કોરિયન કંપનીએ નાની ઇલેક્ટ્રિક કાર વિકસાવવાનું શરૂ કર્યું છે, પરંતુ હ્યુન્ડાઇ આ વર્ષે દેશમાં પ્રીમિયમ મોડલ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હ્યુન્ડાઈ ઈન્ડિયાના સેલ્સ, માર્કેટિંગ અને સર્વિસ ડિરેક્ટર તરુણ ગર્ગે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે હાલમાં, ચાર્જિંગ ઈકોસિસ્ટમ, સેલ્સ નેટવર્ક, મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી જેવા મુદ્દાઓ પર ઘણા વિભાગો કામ કરી રહ્યા છે. જ્યારે કંપની ઈલેક્ટ્રિક કારની કિંમતને નિયંત્રણમાં રાખવા અને સસ્તું કરવા માટે સ્થાનિક સ્તરે સોર્સિંગ અને ઉત્પાદન સાધનનો ઉપયોગ કરશે. કંપનીનું માનવું છે કે આ માટે તેણે વધુને વધુ સ્થાનિક ઉત્પાદનો પર આધાર રાખવો પડશે. જો કે કંપનીએ હજુ એ નથી જણાવ્યું કે નવી કાર ક્યારે લોન્ચ થશે.
કંપની 6 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે
હ્યુન્ડાઈ દ્વારા ભારતમાં નાની ઈલેક્ટ્રિક કારનું લોન્ચિંગ કંપનીની યોજનાનો એક ભાગ છે. જે અંતર્ગત કંપની ભારતમાં 2028 સુધીમાં છ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. કંપનીએ આ માટે ભારતમાં 4044 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેનો હેતુ દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે.
આ ઇલેક્ટ્રિક કાર આ વર્ષે લોન્ચ કરાશે
ભારતમાં કુલ કારના વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 1% કરતા ઓછો છે. પરંતુ સરકાર 2030 સુધીમાં 30% હિસ્સો મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. સરકારનો હેતુ ભારતમાં પ્રદૂષણ અને ઈંધણની આયાત ઘટાડવાનો છે. હ્યુન્ડાઈ આ વર્ષે તેના Ioniq 5 ઈલેક્ટ્રિક ક્રોસઓવરથી શરૂ થતા પ્રીમિયમ મૉડલ લૉન્ચ કરશે અને ધીમે ધીમે કિંમતમાં ઘટાડો કરશે. યુએસમાં 480 કિમીની ઇલેક્ટ્રિક કાર Ioniq 5 ની કિંમત આશરે રૂ.34 લાખથી શરૂ થાય છે.
ચાર્જિંગ નેટવર્ક વધારવાની જરૂર
ઈ- વ્હીકલ ક્ષેત્રે મોટા પાયે સફળ થવા માટે EVs માટે વ્યાપક ચાર્જિંગ નેટવર્ક અને ઓછી બેટરી ખર્ચ જરૂરી છે. જ્યારે કંપની પેટ્રોલ-ડીઝલ કારનો બિઝનેસ શરૂ કરી રહી હતી. ત્યારે તેની શરૂઆત ઓછી કિંમતથી વધુ કિંમતના પરિપ્રેક્ષ્ય સાથે કરવામાં આવી હતી. પરંતુ ઇલેક્ટ્રિકમાં કંપની ટોપ-ડાઉન અભિગમ અજમાવી રહી છે.
Kona EV ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી
Hyundai એ તેની Kona EV ભારતમાં 2019 માં લોન્ચ કરી હતી. આ કારને મુખ્યત્વે ભારતીય બજારમાં ટેસ્ટિંગ માટે લોન્ચ કરવામાં આવી હતી. તેને અપેક્ષા મુજબની સફળતા મળી નથી. તેનું કારણ પબ્લિક ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને તેની ઊંચી કિંમત હતી. કંપનીનું કહેવું છે કે Kona EVથી શીખેલા પાઠને ભારતમાં તેની ભાવિ EV વ્યૂહરચનામાં સામેલ કરવામાં આવશે.