હૈદરાબાદનો વિદ્યાર્થી બે અઠવાડિયાથી અમેરિકામાં ગુમ, પરિવારને મળ્યો ધમકીભર્યો ફોન
હૈદરાબાદ (તેલંગાણા), 20 માર્ચ: હૈદરાબાદનો એક 25 વર્ષીય વિદ્યાર્થી 07 માર્ચથી અમેરિકામાં ગુમ છે. ભારતમાં વસતા પરિવારનું કહેવું છે કે, તેમની પાસે ખંડણી માંગવામાં આવી છે. જેને લઈ પરિવાર ચિંતાતુર બન્યો છે. ગુમ થયેલા યુવકનું નામ અબ્દુલ મોહમ્મદ છે. જે અમેરિકામાં ક્લેવલેન્ડ યુનિવર્સિટીમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) માં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે. તેના મિત્રોનું કહેવું છે કે, અમે છેલ્લે અબ્દુલને 7 માર્ચે જોયો હતો. તેના પિતા મોહમ્મદ સલીમે જણાવ્યું કે, સપ્તાહના અંતમાં તેમને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો.
અપહરણકર્તાઓેએ કિડની વેચી દેવાની ધમકી આપી
પિતાને ફોન કરનારે દાવો કર્યો હતો કે, તેઓએ અબ્દુલનું અપહરણ કર્યું છે. તેમજ કિડનેપર્સે $1,200ની ખંડણી માંગણી કરી છે. જો ખંડણી નહીં ચૂકવવામાં આવે તો અબ્દુલની કિડની વેચી દેવાની ધમકી આપી છે. યુએસમાં રહેતા અબ્દુલના સંબંધીઓએ 08 માર્ચે ક્લેવલેન્ડ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અબ્દુલ માટે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. અબ્દુલને શોધવામાં મદદ માંગવા માટે પરિવારે 18 માર્ચે શિકાગોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસનો પણ સંપર્ક કર્યો હતો. ક્લેવલેન્ડ પોલીસ હાલમાં અબ્દુલના ગુમ થવા અંગે તપાસ હાથ ધરી છે.
અબ્દુલની માતાએ કેન્દ્રને હસ્તક્ષેપ કરવા અપીલ કરી
અબ્દુલની માતા આબેદાએ કહ્યું હતું કે, તેમણે પુત્ર સાથે છેલ્લીવાર 07 માર્ચે વાત કરી હતી, ત્યારબાદ તેનો કોઈ સંપર્ક થયો ન હતો. અબ્દુલની માતાએ કેન્દ્રને આ મામલે હસ્તક્ષેપ કરવા અને તેમના પુત્રની સલામત વાપસીની ખાતરી કરવા અપીલ કરી છે. આ પહેલા ન્યૂયોર્ક શહેરમાંથી 25 વર્ષીય ભારતીય મહિલા ગુમ થવાની જાણકારી મળી હતી. આ મહિલાનું નામ ફેરીન ખોજા હતું, જે છેલ્લે 01 માર્ચના રોજ રાત્રે 11 વાગ્યે ક્વીન્સમાં તેના ઘરની બહાર નીકળતી જોવા મળી હતી.
આ પણ વાંચો: ફ્લોરિડામાં બે ખાનગી સ્કી વોટરક્રાફ્ટ સામસામે અથડાયા, અકસ્માતમાં એક ભારતીય વિદ્યાર્થીનું નિધન