હૈદરાબાદનો હચમચાવી નાખતો કિસ્સો: પૂર્વ સૈનિકે પત્નીની હત્યા કરી લાશના ટુકડા કુકરમાં બાફી નાખ્યા


હૈદરાબાદ, 23 જાન્યુઆરી 2025: દિલ્હીની શ્રદ્ધા વાકર મર્ડર કેસને આખા દેશને હચમચાવી નાખ્યો હતો. ઠીક આવી જ રીતનો એક કિસ્સો તેલંગાણાના હૈદરાબાદમાંથી સામે આવ્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, શહેરના એક પૂર્વ સૈન્ય કર્મી અને હાલમાં સુરક્ષા ગાર્ડમાં નોકરી કરતા વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી પ્રેશર કુકરમાં બાફી નાખ્યા હતા.
જાણકારી અનુસાર, પોલીસે 35 વર્ષની મહિલાની હત્યાના શંકામાં તેના પતિની ધરપકડ કરી હતી. જો કે, પૂછપરછ દરમ્યાન શખ્સે ચોંકાવનારો દાવો કર્યો હતો, જેને સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પૂછપરછમાં યુવકે જણાવ્યું કે, તેણે પત્નીના લાશના ટુકડા કરી પ્રેશર કુકરમાં બાફી નાખ્યા અને બાદમાં તળાવમાં ફેંકી દીધા.
પોલીસે જણાવ્યું કે, શંકા છે કે પતિએ પોતાના પત્ની સાથે ઝઘડા બાદ આ કાંડ કર્યો છે. જો કે તેણે કહ્યું કે, ઘટનાનું આખું વિવરણ આગળની તપાસ બાદ ખબર પડશે. મૃતક મહિલા લગભગ એક અઠવાડીયા પહેલા ગુમ થઈ હતી અને તેના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને મળેલી જાણકારી અનુસાર, આરોપીનું નામ ગુરુ મૂર્તિ છે. ગુરુ હાલમાં કંચનબાગમાં સુરક્ષા ગાર્ડની નોકરી કરે છે. આ અગાઉ તે સેનામાં કામ કરતો હતો અને સેવાનિવૃત થયો હતો. ગુરુ મૂર્તિના લગ્ન 13 વર્ષ પહેલા વેંકટ માધવી સાથે થયા હતા. બંનેને બે બાળકો પણ છે.