ઝારખંડમાં રાજકીય અસ્થિરતા વચ્ચે સત્તા બચાવવા હૈદરાબાદ લઈ જવાતા MLA એરપોર્ટ ઉપર અટવાયા
રાંચી, 1 ફેબ્રુઆરી : પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ બાદ હવે તમામની નજર ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેનના રાજ્યાભિષેક પર છે. જેએમએમએ ચંપાઈ સોરેનને રાજ્યના આગામી સીએમ બનાવવાનો નિર્ણય કર્યો છે. હેમંત સોરેનના રાજીનામા બાદ ચંપાઈએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે રાજ્યપાલને 43 ધારાસભ્યોના સમર્થન પત્રો પણ સોંપ્યા છે. જો કે તે પહેલાં મોટી રાજકીય હલચલ જોવા મળી રહી છે. ગઠબંધનના ધારાસભ્યો ભાજપ તોડે નહીં તે માટે તેમને હૈદરાબાદ મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ મળતા અંતિમ સમાચાર મુજબ હાલ ચાર્ટડ પ્લેન ખરાબ મોસમના કારણે અટવાયું છે. હવે તે ક્યારે રવાના થાય તે કહીં શકાય તેમ નથી.
રાજ્યપાલે સરકાર રચવા આમંત્રણ ન આપ્યું
ઉલ્લેખનીય છે કે, ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેનના રાજ્યાભિષેક માટે તેઓ સમર્થકો સાથે રાજ્યપાલને મળી સરકાર બનાવવા દાવો કર્યો હતો પણ રાજ્યપાલ દ્વારા તેમને હજુ સુધી તેના માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેને રાજ્યપાલને 43 ધારાસભ્યોના સમર્થન પત્રો પણ સોંપ્યા છે.
હેમંત સોરેનની ઈડી દ્વારા ધરપકડ કરાઈ
મહત્વનું છે કે હેમંત સોરેનની ઈડી દ્વારા જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા રાજભવન પહોંચ્યા બાદ હેમંતે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું જેને રાજ્યપાલે સ્વીકારી લીધું હતું. આ પહેલા મંગળવારે હેમંત સોરેન 40 કલાક પછી અચાનક દિલ્હીથી રાંચી પહોંચ્યા હતા. સોરેને દિલ્હીથી રાંચી સુધી 1250 કિલોમીટરથી વધુ સડક માર્ગે મુસાફરી કરી હતી. અહીં તેઓ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતાઓ અને સહયોગી ધારાસભ્યોને મળ્યા હતા. આ બેઠકમાં સીએમ સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર હતી.