વાહ રે કળિયુગઃ પતિના બારમાની વિધિ સમયે જ પતિના મિત્રએ ફોન ચોરી મરણમૂડી લૂંટી
સુરત, 13 જુલાઈ 2024, કાપોદ્રા વિસ્તારમાં મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને સાંત્વના આપવાની જગ્યાએ બારમાની વિધિમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટ ફોન ચોરીને તેના બેંકમાંથી મરણમૂડી રૂપી 3 લાખ રૂપિયાની લૂંટ કરી લીધી હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી રૂપિયા કબજે લીધા હતા. જેને કોર્ટમાંથી દોઢ મહિનામાં છોડાવી વિધવાને પરત અપાવ્યા હતા.
3 લાખ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી ચોરી લીધા
પ્રાપ્ત વિગતો પ્રમાણે કાપોદ્રા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી. આ બીમારીમાં તેનું 17 મે, 2024ના રોજ મોત નીપજ્યું હતું. જેથી તેની વિધિમાં નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો. પરિવારની સાથે હરહંમેશ રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાતો શેર કરતો હતો. પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને 28 મે, 2024ના રોજ બારમાની વિધિમાં પરિવાર વ્યસ્ત હતું, તે દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટ ફોન ચોરી લીધો હતો. આરોપી સંદીપ ગજેરાને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના યૂપીઆઈ પીન અને પાસવર્ડ અગાઉથી જાણી લીધેલા હતાં. જેથી તેનો ઉપયોગ કરીને અલગ-અલગ રીતે 3 લાખ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી ચોરી લીધા હતાં.
કાપોદ્રા પોલીસ મથકમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઈ-એફઆઈઆર દાખલ કરાવી હતી. જેથી કાપોદ્રા પોલીસે મોબાઈલ ઘરફોડની અને તે મોબાઈલ મારફતે 3 લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દામાલના 3 લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે પીઆઈ એમ. બી. ઓસુરા એ જણાવ્યું હતું કે, સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પોતાના ગુમ થયેલા અને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સમયસર પરત મળી રહે અને કાયદાકીય ગુંચવણ ના રહે તે માટે પોલીસ દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત કાપોદ્રા પોલીસ મથકમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચોઃગાંધીનગર જિલ્લાના જૂના પહાડિયા ગામનો બારોબાર સોદો થઈ ગયો, તંત્ર દોડતુ થયું