ગુજરાત

પાલનપુરના પીપળી (ભા) ગામમાં પતિને લીમડા સાથે બાંધી પત્ની અને પ્રેમીએ પતાવી દીધો

Text To Speech

પાલનપુર: પીપળી (ભા) ગામે અમરાભાઇ પ્રજાપતિના બાજરીના ખેતરમાં બાજરી વાઢતા 20 જૂનના રોજ માનવ કંકાલ મળી આવ્યું હતું. જેમાં પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી માનવ કંકાલ કબજે લઇ પાલનપુર સિવિલમાં ખસેડ્યુ હતું. જોકે માનવ કંકાલ કોનું છે ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરતા માનવ કંકાલ ઉપરથી મળી આવેલા કપડા તેમજ હાથે પહેરવાના પ્લાસ્ટિકના પટ્ટા પરથી 17 મે 2022 ના ગુમ થયેલ રમેશભાઈ ગમાર નામના વ્યક્તિના કાકા તેમજ તેમના પરિવારોજનો બોલાવી ઓળખ કરાવી હતી. જેમાં કપડા તેમજ પટ્ટા પરથી પરિવારજનોએ માનવ કંકાલ રમેશભાઈ ગમાર હોવાની ઓળખ કરી હતી. જોકે આ માનવ કંકાલને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તપાસ અર્થ મોકલી આપવામાં આવ્યું હતું.

પ્રેમમાં અવરોધ બનેલા પતિની લાશને ખેતરમાં દાટી દીધી હતી
પરિવારજનોને પત્ની લીંબુબેન ઉપર શંકા જતા પૂછપરછ બાદ ઘટના બહાર આવી
અમરાભાઇ પ્રજાપતિના ખેતરમાં બાજરી વાઢતા માનવ કંકાલ મળ્યું હતું

પરિવારજનોને પત્ની લીંબુબેનની કડક પૂછપરછ કરતા ઘટના બહાર આવી
રમેશભાઈ ગમારના મોત બાબતે પરિવારજનો તપાસ કરતા હતા. તે દરમિયાન પરિવારજનોને રમેશભાઈ ગમાર પત્ની લીંબુબેન ઉપર શંકા જતા ફરિયાદી નારણભાઈ ગમાર તેમના પરિવારજનો તેમજ મિત્ર સાથે રમેશભાઈ ગમારની પત્ની લીંબુ પાસે આવીને તેને વિશ્વાસમાં લઇ રમેશભાઈ ગમારના મોત બાબતે પૂછપરછ કરતા પ્રથમ ગલ્લાતલ્લા કરવા લાગી હતી. જેથી પરિવારજનોએ કડકાઈથી પૂછતાં તેણે પરિવારજનોને જણાવેલું કે, “મારે પીપળી (ભા) ગામના રાહુલ પટણી સાથે પ્રેમ સંબંધ થતા અમો બંને જણા મારા પતિની ગેરહાજરીમાં છાના છપના ઘરે તેમજ ખેતરમાં મળતા હતા. રાહુલ મારાં ઘરે પણ આવતો જતો હતો. જે મારા પતિને રમેશને ગમતું ન હોઈ અને મારા રાહુલ સાથેના પ્રેમ સબંધની જાણ થતા તેઓ મને અવારનવાર મારઝુડ કરતા હતા. જેની મે રાહુલને વાત કરી હતી. જેથી મારા પતિનું ખૂન કરેલ તેના બે દિવસ પહેલાં રાહુલ મારાં ઘરે આવેલ અને મને વાત કરેલ કે, તારો પતિ રમેશ પુષ્કળ દારૂ પીને રાત્રે ઘરે આવે ત્યારે આપણે બંને જણ તેને પતાવી નાખીશું. ત્યાર બાદ આ બનાવની રાત્રે મારા પતિ ખુબજ દારૂ પીને ઘરે આવેલ. તે વખતે રાહુલ પણ મારા ઘરે આવ્યો હતો.અને રાહુલે લીંમડો કાપવાનું દાતરડું લઈ અમે બન્ને જણા એ મારા પતિ રમેશને પકડી રાત્રી દસેક વાગ્યાંની આસપાસ ખેતરના શેઢા ઉપર લઈ જઈને શેઢા ઉપર લીમડાના ઝાડ સાથે દોરડાથી બાંધીને રાહુલે દાતરડું મારાં પતિના માથાના ભાગે તથા બન્ને પગના ભાગે ઘા મારેલ. ત્યારબાદ રાહુલ પાસેથી દાતરડું મેં લીધેલ અને મેં પણ મારાં પતિના ગળા ભાગે તેમજ હાથના ભાગે દાતરડા ઘા માર્યા હતા. મારાં પતિ મૃત્યુ પામતા અમોએ તેમની લાશ ખેતરમાં પડેલા પ્લાસ્ટિકના કટ્ટામાં નાખી મારા પતિના મોતની કોઈને ખબર ન પડે તે આશયથી લાશને અમો બન્ને જણાએ અન્ય ખેતરનના શેઢા નજીક જમીનમાં ખાડો કરી દાટી દીધી હતી. ત્યારબાદ થોડા સમય પછી ખેતરમાં બાજરી વાઢવાની હોઈ તે વખતે લાશની ખબર પડી જશે તે ડર થી મેં તથા રાહુલે મારાં પતિની લાશ ફરીથી રાત્રીના સમયે બહાર કાઢી અન્ય ખેતરમાં બાજરી વાવેતર કરેલ પાકમાં નાખી દીધી હતી.

આ સમગ્ર ઘટના અંગે રમેશના પત્ની લીંબુબેને પરિવાર જનોને જણાવ્યું હતું. મૃતક રમેશ ગમારનું ખૂન તેની જ પત્ની લીંબુ બેન અને તેના પ્રેમી રાહુલ પટણી કર્યું હોવાનું બહાર આવતા રમેશભાઈ ગમારના પરિવારજનો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button