9 બાળકોની સગર્ભા માતાને પતિએ આપ્યા ટ્રિપલ તલાક, લાત મારી ઘરની બહાર કાઢી મૂકી
મેરઠ, 3 ફેબ્રુઆરી : ટ્રિપલ તલાક પર ભલે પ્રતિબંધ મૂકાયો હોય પરંતુ આજે પણ સમાજમાં ટ્રિપલ તલાકની ઘટના જોવા મળે છે. હાલમાં જ ઉત્તરપ્રદેશના મેરઠના કાંકરખેડામાં આવી એક ઘટના બની છે. અહીં દારૂના નશામાં ધૂત પતિએ 9 બાળકોની ગર્ભવતી માતાને પેટમાં લાત મારી, ટ્રિપલ તલાક આપીને ઘરની બહાર કાઢી મૂકી છે. મહિલાની હાલત બગડતાં આરોપી નશામાં ધૂત પતિ ઘરને તાળું મારીને ભાગી ગયો હતો. શુક્રવારે પીડિત મહિલા તેના નવ બાળકો માટે ન્યાય મેળવવા એસએસપી ઓફિસ પહોંચી હતી. જ્યારે આ મામલો તેમના ધ્યાન પર આવ્યો, ત્યારે એસએસપીએ પીડિત મહિલાને મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી.
પ્રાપ્ત વિગતો અનુસાર સિમ્પાવલી ગામની રહેવાસી સજમાના લગ્ન લગભગ 11 વર્ષ પહેલા સરુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ખીવાઈના રહેવાસી ઝુલ્ફીકાર સાથે થયા હતા. પીડિત મહિલા સજમાએ જણાવ્યું કે તેને નવ બાળકો છે અને તે 6 મહિનાની ગર્ભવતી પણ છે. મહિલાનો આરોપ છે કે તેનો પતિ આલ્કોહોલિક છે. જ્યારે મહિલાએ આરોપી પતિના દારૂ પીવાનો વિરોધ કર્યો તો આરોપીએ તેને માર માર્યો, પેટમાં લાત મારી અને ટ્રિપલ તલાક આપીને ઘરની બહાર ફેંકી દીધી. આરોપી પતિએ પેટમાં લાત મારતાં મહિલા સજમાની હાલત ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ મહિલાનો પતિ ઘરને તાળું મારીને ભાગી ગયો હતો. મહિલાએ આ બાબતની જાણ તેના પિયરના લોકોને થતાં પિયરના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા અને તેની સારવાર કરાવી. સ્થાનિક પોલીસ તંત્રને પણ આ અંગે જાણ કરી હતી.
પીડિતા તેના 9 બાળકો સાથે SSP ઓફિસ પહોંચી
પીડિત મહિલાનો આરોપ છે કે પોલીસ સ્ટેશને આરોપી પતિ વિરુદ્ધ કાર્યવાહી કરી નથી, જેના કારણે પીડિતા તેના 9 બાળકો સાથે શુક્રવારે એસએસપી ઓફિસ પહોંચી અને આરોપી પતિ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી. જ્યારે આ જ મામલો તેમના ધ્યાન પર આવ્યો, ત્યારે SSPએ આ મામલાની તપાસ કરવા અને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદથી 20 કિ.મીના અંતરમાં આવતાં ગામડાઓમાં AMTSની બસો દોડાવાશે