

છેલ્લા 5 દિવસથી ચાલી રહેલું વાવાઝોડું અસાની હવે નબળું પડી રહ્યું છે. બુધવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અથડાયા બાદ તે આજે ધીમે ધીમે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત આજે સાંજ સુધીમાં બંગાળની ખાડીમાં પહોંચી જશે. તે પછી તે શાંત થઈ શકે છે.
જો કે, બંગાળની ખાડી સુધી પહોંચતી વખતે, ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે હળવા અને ભારે વરસાદ સાથે પવનની ઝડપ 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. તોફાનની અસર આ રાજ્યોની સરહદે આવેલા અન્ય રાજ્યો પર પણ પડશે. બંગાળ અને ઓડિશાને અડીને આવેલા ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. બુધવારે પણ આ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
ઘણા રાજ્યોમાં વરસાદનું અલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન કોસ્ટલ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, તટીય ઓડિશા, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ કર્ણાટકમાં છૂટાછવાયા ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાથે જ કેરળ અને તમિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આંધ્રના CMએ કરી સમીક્ષા બેઠક
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીએ દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટર્સ સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરી. કોઈપણ ઈમરજન્સી સમયે તેમને હાઈ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય સીએમએ કહ્યું કે અમારું ધ્યાન જાન-માલનું નુકસાન અટકાવવા પર હોવું જોઈએ. આંધ્ર સરકારે તોફાનથી પ્રભાવિત 7 જિલ્લાઓમાં 454 રાહત શિબિરો ખોલી છે.
NDRFની ટીમ એલર્ટ મોડમાં
NDRFની 50 ટીમો તહેનાત, નેવી પણ એલર્ટ અસાનીના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે NDRFની કુલ 50 ટીમો રાખવામાં આવી છે. તેમાંથી, 22 ટીમો ગ્રાઉન્ડ પર તહેનાત કરવામાં આવી છે, જ્યારે 28 ટીમોને પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્યોની અંદર એલર્ટ પર રાખવામાં આવી છે. આ સિવાય વિશાખાપટ્ટનમમાં INS દેગા અને ચેન્નઈ નજીક INS રઝાલીને નેવી સ્ટેશન પર હવાઈ સર્વેક્ષણ અને જરૂર પડ્યે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી માટે એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
