ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ આંદામાન સાગર અને તેની આજુબાજુના વિસ્તારમાં 6 મેનાં રોજ દબાણ ઘટી શકે છે. વિભાગે કહ્યું કે જો એવું થયું તો આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડું અસાનીના ઓરિસ્સાના કાંઠે ટકરાય શકે છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે આ જોખમને જોતા ઓરિસ્સા સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.સરકારે NDRFની 17, ઓરિસ્સા આપદા રેપિડ એક્શન ફોર્સની 20 અને ફાયર સર્વિસની 175 ટીમને ઈમરજન્સીનો સામનો કરવા સ્ટેડન્ડબાય રહેવાના આદેશ આપ્યા છે.આ ઉપરાંત રાજ્યના 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે પુરી, ઢેંકનાલ અને ઉત્તર કોસ્ટલ ઓરિસ્સાના ઘણા જિલ્લાઓમાં શુક્રવારથી લઈને શનિવાર સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે. આંદામાનનાં સમુદ્રમાં ઓછા દબાણને કારણે ચક્રવાતની ગતિ શુક્રવારે જ જાણી શકાશે.
40થી 75 કિમી કલાકની સ્પીડે હવા ફુંકાશે
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે 8 મે સુધીમાં વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે. આ પછી તેની ગતિ 75 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ.
માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ
હવામાન વૈજ્ઞાનિક દાસે જણાવ્યું કે ચક્રવાતને કારણે માછીમારોને 5 મેથી 8 મે સુધી આંદામાન સાગર તેમજ પૂર્વ કેન્દ્રીય બંગાળની ખાડીની આસપાસના ક્ષેત્રોમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. તો ઓછા દબાણવાળો વિસ્તાર બનવાથી પરિસ્થિતિ મુજબ દરિયાકાંઠાના વિસ્તારને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી શકે છે.
દેશના આ રાજ્યોમાં અસાનીથી અસર થઈ શકે છે
વાવાઝોડું આસાનીની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, ઉત્તર-પૂર્વના રાજ્યોમાં જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઓડિશા વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે.
PM મોદીએ કરી સમિક્ષા બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા અસાનીને લઈને સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તરફ, ઓરિસ્સા સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી પહોંચાડવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
ગરમીમાં પહેલા પણ આવ્યા હતા વાવાઝોડાં
ઓરિસ્સાના વિશેષ રાહત આયુક્ત પ્રદીપકુમાર જેનાએ જણાવ્યું કે ગરમીના દિવસોમાં આ પહેલા પર ફોની, અમ્ફાન અને યાસ જેવા ચક્રવર્તી વાવાઝોડાં ત્રાટક્યા હતા. તેમને જણાવ્યું કે ગર્મીના દિવસોમાં બનેલા વાવાઝોડાથી પ્રદેશમાં પૂરની સ્થિતિની સંભાવના ઘણી જ ઓછી છે. જો હવામાન વિભાગે 6 મેનાં રોજ દબાણ ક્ષેત્ર બન્યા બાદ જ જાણી શકાશે કે વાવાઝોડાની દિશા અને ગતિ શું હશે.
2021માં ત્રણ વાવાઝોડા ત્રાટક્યા હતા
2021માં ભારતમાં ત્રણ વાવાઝોડાં આવી ચૂક્યા છે. વાવાઝોડું જવાદ ડિસેમ્બર 2021માં આવ્યું હતું જ્યારે વાવાઝોડું ગુલાબ સપ્ટેમ્બર 2021માં આવ્યું હતું. આ સિવાય મે 2021માં વાવાઝોડું યાસ આવ્યું હતું