ઇન્ટરનેશનલ ડેસ્કઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ભૂખમરાની સ્થિતિ પેદા થઈ ગઈ છે. કોરોના વાયરસ પહેલાં આ દેશની 22 મિલિયન વસ્તીમાંથી લગભગ 10 ટકા લોકો ખાદ્ય સુરક્ષાના મુદ્દાઓ સામે લડી રહ્યા હતા અને ત્યારથી આર્થિક પ્રતિબંધો અને રાસાયણિક ખાતરોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.
આને ધ્યાનમાં રાખીને શ્રીલંકાએ સરકારી કર્મચારીઓને ખોરાકની વધતી અછતને રોકવા માટે તેમના ઘરની આસપાસ પાક ઉગાડવા માટે દર અઠવાડિયે વધારાની રજા લેવા જણાવ્યું છે. શ્રીલંકાની અભૂતપૂર્વ આર્થિક મંદીને કારણે પેટ્રોલ અને દવાઓની સાથે અનેક મુખ્ય ખાદ્ય ચીજોની કટોકટી થઈ છે અને પ્રચંડ ફુગાવાએ ઘરના બજેટને સંપૂર્ણપણે ખોરવી નાંખ્યું છે.
કેબિનેટે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘સરકારી અધિકારીઓને અઠવાડિયામાં એક વધારાનો દિવસ આપવો અને તેમને તેમના ઘરની નજીકમાં કૃષિ પ્રવૃત્તિઓમાં જોડાવા માટે જરૂરી સુવિધાઓ પ્રદાન કરવી યોગ્ય લાગે છે.’ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારી કર્મચારીઓની અવરજવર ઘટતા ઈંધણનો વપરાશ ઘટશે અને વધારાની રજા ભવિષ્યમાં ખાદ્યપદાર્થોની અછતને હલ કરશે.
ગયા અઠવાડિયે યુનાઇટેડ નેશન્સે ચેતવણી આપી હતી કે શ્રીલંકા ગંભીર માનવસર્જિત સંકટનો સામનો કરી રહ્યું છે અને કહ્યું હતું કે 22 મિલિયનના દેશમાં પાંચમાંથી ચાર લોકો ભૂખે મરે છે. સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ છે કે દેશની લગભગ એક તૃતીયાંશ વસતીને ખાદ્ય સહાયની જરૂર છે. તેમની પાસે આવશ્યક ખાદ્ય પદાર્થો અને પોષક તત્વોનો અભાવ છે.
વસ્તીગણતરી અને આંકડાશાસ્ત્ર વિભાગ અનુસાર, ‘વર્ષ 2019ના અંત સુધીમાં શ્રીલંકાની 9.1 ટકા વસ્તીમાં આવશ્યક ખાદ્ય પદાર્થોનો અભાવ હતો. તેમાંથી 2,00,000 લોકો ભૂખે મરે છે.’ ડેટા અનુસાર પારિવારિક સ્તરે ખોરાકની અસુરક્ષા વધીને 9.45 ટકા થઈ ગઈ છે. તે જણાવે છે કે દર 10માંથી એક પરિવાર આવશ્યક ખોરાક અને પોષક તત્વોની અછતથી પીડાય છે. વિભાગે કહ્યું કે જો કે, કોવિડ-19ને રોકવા માટે લગાવવામાં આવેલી કેટલીક પાબંદીઓને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. તેનાથી લોકોની આજીવિકા પર અસર પડી છે અને તેઓ ગરીબીની જાળમાં ફસાઈ ગયા.’