ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા વચ્ચે સેંકડો પ્રવાસીઓ ફસાયા, અટલ ટનલ પર લાંબો જામ

Text To Speech
  • રજાઓના સમયે મોટી સંખ્યામાં લોકો હિમાચલમાં બરફવર્ષાનો આનંદ માણવા પહોંચી રહ્યા છે

હિમાચલ પ્રદેશ, 28 ડિસેમ્બર: હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે અને પ્રવાસીઓ તેની ભરપૂર મજા લઈ રહ્યા છે, પરંતુ આ હિમવર્ષા વહીવટીતંત્ર માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં શુક્રવારે રાત્રે હિમવર્ષાના કારણે સેંકડો પ્રવાસીઓ ફસાયા હતા. પોલીસ અને પ્રશાસને તેમને સલામત સ્થળે પહોંચાડવા માટે ઘણા પ્રયાસો કરવા પડ્યા હતા. અંતે પ્રવાસીઓને હોટલ અને લોકોના ઘરોમાં બેસાડવામાં આવ્યા હતા. અટલ ટનલ અને સોલાંગ ખીણ વચ્ચે લગભગ 1200 વાહનો અટવાયા હતા.

મનાલીમાં વાહનો ફસાયા

શુક્રવારે લગભગ 1200 વાહનો અટલ ટનલ અને સોલાંગ વેલી વચ્ચે બપોરથી મોડી રાત સુધી અટવાયા હતા. રાત્રે 11 વાગ્યા સુધી અહીં જામ રહ્યો હતો. તે જ સમયે, 150 પ્રવાસીઓ ચીનના કબજા હેઠળની તિબેટ સરહદ નજીક મલિંગ નાળામાં ફસાયા હતા. લાહૌલ સ્પીતિના કાઝા ફરવા ગયેલા લગભગ 150 પ્રવાસીઓ કિન્નૌર અને લાહેલ સ્પીતિની સરહદ પર અટવાઈ ગયા જ્યારે બંને બાજુના પર્વતો પર ભારે હિમવર્ષા થઈ. હિમાચલ પ્રદેશ પોલીસે તમામ પ્રવાસીઓને સુરક્ષિત બચાવી લીધા હતા. તેઓને યંગથાંગ, નાકો અને ચાંગો ગામોમાં લોકોના ઘરો અને હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘાટીમાં હિમવર્ષા સતત ચાલુ છે.

હિમાચલ પ્રદેશમાં 134 રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં સતત હિમવર્ષાના કારણે 134 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. હવામાન સુધર્યા બાદ જ આ રસ્તાઓ પર વાહનવ્યવહાર ફરી શરૂ થશે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, શિમલા જિલ્લામાં સૌથી વધુ 77 રસ્તાઓ બંધ છે. વધુમાં, 65 ટ્રાન્સફોર્મર ખોરવાયા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. વરસાદ બાદ હિમાચલના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. આગામી દિવસોમાં પણ અહીં ઠંડીથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી.

આ પણ જૂઓ: જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ભૂકંપના આંચકા, બારામુલ્લામાં ધરતી ધ્રૂજી

Back to top button