બનાસકાંઠામાં 100% મતદાનનો લક્ષ્યાંક : શાળા કોલેજોમાં 7.40 લાખ સંકલ્પપત્રો ભરાયા
પાલનપુર : મતદાર જાગૃત અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલની સુચના અનુસાર તથા નોડલ ઓફિસર સ્વીપ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વધુ ને વધુ મતદાન થાય તેમજ સો ટકા મતદાનના લક્ષ્યાંકને પૂર્ણ કરવાના ભાગરૂપે જિલ્લાભરની શાળા અને કોલેજોમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અન્વયે જિલ્લાભરની શાળા- કોલેજોમાં વિદ્યાર્થીઓ પાસે 7,40,000 સંકલ્પ પત્રો ભરાવી દરેક વાલી- મતદારોને સો ટકા મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
અવસર લોકશાહીનો, સ્વીપ ટીમનું અભિયાન
ભારતીય ચૂંટણી પંચના અવસર લોકશાહીનો અભિયાન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર અને SVEEP ટીમ દ્વારા બનાસકાંઠામાં જિલ્લાભરની શાળા- કોલેજોમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોમાં મતાધિકાર બાબતે જાગૃતિ કેળવાય અને દરેક વિદ્યાર્થી પોતાના માતા પિતા વાલીને મતદાન માટે સમજાવી શકે જેના થકી જિલ્લામાં વધુ ને વધુ મતદાન થાય અને કોઈપણ મતદાતા મતદાનથી વંચિત ન રહી જાય એ માટે મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો દ્વારા સો ટકા મતદાનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સો ટકા મતદાનના લક્ષ્યાંકને પૂર્ણ કરવાના ભાગરૂપે જિલ્લાભરની શાળા કોલેજોમાં મતદાર જગૃતિના સંદેશ સાથે વિદ્યાર્થીઓને 7,40,000 જેટલા સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે.
વાલી- મતદારો પાસે સંકલ્પપત્રો ભરાવી પ્રોત્સાહિત કરાયા
બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ શાળાઓમાં ધોરણ- 1 થી 8 માં અંદાજે 5,42,500 ફોર્મ, ધોરણ – 9 થી 12 માં અંદાજે 1,53,668 ફોર્મ અને જિલ્લાની તમામ કોલેજોમાં 44,332 ફોર્મ મળી કુલ- 7,40,000 સંકલ્પ ફોર્મનું વિદ્યાર્થીઓને વિતરણ કરી દરેક વાલી સુધી પહોંચવાનો સફળ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને દરેક વાલી- મતદારોને ૧૦૦% મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. SVEEP ટીમ દ્વારા શાળા કોલેજોમાં આયોજીત મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો સહિત શાળા પરિવારે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પણ વાંચો : સ્થાનિક મુદ્દાનો હલ ન આવતા મત માંગવા પહોંચેલા નેતાઓની બોલતી બંધ થઈ, જુઓ વિડીયો