મનુષ્ય ગૌરવ દિન : સ્વાધ્યાય પરિવારનાં સ્થાપક પાંડુરંગ શાસ્ત્રીની આજે જન્મજયંતિ
મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે કે જેઓ”શાસ્ત્રી” તેમ જ “દાદાજી” તરીકે પણ ઓળખાય છે, તેમનો જન્મદિન દર વર્ષે ૧૯મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. સ્વાધ્યાય પરિવાર આ દિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે પણ ઉજવે છે. પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે “માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે”. આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીજીએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં કહેલા વચનને ટાંક્યું છે. એમાં ભગવાને કહ્યું છે કે, सर्वस्वचाहम हदयीसन्निविष्टो જેનો અર્થ ‘હું પ્રાણીમાત્રના હદયમાં બિરાજમાન છું’ તેવો થાય છે. તેથી . પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે માણસે ભગવાન મારી સાથે છે તે વાતનું ગૌરવ લેવું જોઈએ અને પોતાને મળેલ મનુષ્ય અવતારનું ગૌરવ લેવું જોઈએ. આ વાત સમજાવતો દિવસ એટલે મનુષ્ય ગૌરવદિન.
આ પણ વાંચો : આજે ગુજરાત વિદ્યાપીઠનો 102 મો સ્થાપના દિન : ગાંધીજીના લક્ષ્યો સાથે કાર્યરત છે વિદ્યાપીઠ
પાંડુરંગ શાસ્ત્રી – હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન
પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ તેમનાં પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી પણ જોવા મળે છે. તેઓ ઓક્ટોબર ૨૫, ૨૦૦3નાં રોજ ધામમાં ગયાં હતા.
પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ, ટેમ્પલટન પુરસ્કાર, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય ટિળક પુરસ્કાર, પદ્મવિભૂષણ, એવા વિવિધ પુરસ્કારો એનાયત થયા છે. એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં ‘મનુષ્ય ગૌરવ દિન’ અથવા ‘માનવ ગરિમા દિન’ તરીકે ઉજવવામાં આવે છે.
સ્વાધ્યાય પરિવાર વિશે
સ્વાધ્યાય પરિવાર પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા સ્થપાયેલ એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિવાર છે. સ્વાધ્યાય કાર્યની શરૂઆત મુંબઇ સ્થિત માધવબાગ પાઠશાળાથી થઇ અને હજુ પણ તે સ્વાધ્યાય કાર્યના કેન્દ્ર સ્થાને છે. સ્વાધ્યાય પરિવાર આજે ૩૫ જેટલા દેશોમાં ફેલાયેલો છે અને તેમનું મુખ્ય કાર્ય વૈદિક સંસ્કૃતિના પુનરુત્થાનનું છે. સ્વાધ્યાય પરિવાર એ એક દૈવી પરિવાર છે. જેમાં વિવિધ અષ્ટામૃત કેન્દ્રો દ્વારા જેવા કે બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળકોમાં, યુવા કેન્દ્ર દ્વારા યુવાનો ,મહિલા કેન્દ્ર દ્વારા મહિલાઓ , વિડિઓ કેન્દ્રો ,યુવતી કેન્દ્ર દ્વારા યુવતીઓ માં સંસ્કાર અને જીવન કઈ રીતે જીવવું તે શીખવવામાં આવે છે.સ્વાધ્યાય પરિવાર નો આધાર શ્રીમદ ભગવદગીતા છે.જેના ઉપર સમગ્ર કાર્ય ઊભેલું છે.
સ્વાધ્યાય પરિવાર માં પૈસા ને સ્થાન નથી, તેમાં કોઈ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા નથી કે દાન લેવામાં આવતું નથી.તેમાં વિવિધ પ્રયોગો થકી જેવા કે હીરા મંદિર, યોગેશ્વર કૃષિ , મત્સ્યગંધા, જરી મંદિર, ગુપ્ત દાન થકી મળેલી મહાલક્ષ્મી ને વિવિધ કેન્દ્રો તથા કાર્યક્રમો ના ખર્ચ માં વાપરવામાં આવે છે.તેમજ વધેલી લક્ષ્મી ને સામાજિક કાર્યો માં વાપરવામાં આવે છે.
મનુષ્ય ગૌરવદિનની ભકિતફેરી
સ્વાધ્યાય પરિવાર આ દિવસને વિશેષ રૂપે ઊજવે છે. આ દિવસોમાં ભકિતફેરીનું આયોજન કરવામાં આવે છે જેને મનુષ્ય ગૌરવદિનની ભકિતફેરી તરીકે ઓળખવામાં આવે છે. ભકિતફેરી શબ્દ સ્વાધ્યાય પ્રવ્રુત્તિ ના પ્રણેતા પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ આપેલ છે. ભકિતફેરીનો સામાન્ય અર્થ કરીએ તો, ભકિત+ફેરી (ફરવુ, ઘુમવું, અન્ય પાસે જવું), એટલે ભકિતના દ્રષ્ટિકોણથી અન્ય પાસે જવું. ભગવાન અને આપણી વચ્ચેનો સંબંધ સમજવા અને સમજાવવા જવું. એવો થાય છે. મનુષ્ય ગૌરવદિનની ભકિતફેરી એટલે તારીખ ૧૯ થી ૨૫ ઓક્ટોબર વચ્ચે ગોઠવવામાં આવતી ભકિતફેરી, જેમાં લાખોની સંખ્યામાં સ્વાધ્યાય પરીવારના અનુયાયિઓ દૈવિ સંબંધ બાંધવાં ભકિતફેરીમાં નિકળે છે.