ભાજપમાં ભડ્કો શાંત કરવાની જવાબદારી હવે શાહ પાસે, તો કેજરીવાલ અને ઔવેસીનું શું છે ગણિત ?
વડાપ્રધાન મોદીએ જ્યારથી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી છે ત્યારથી જ તેમણે યુવા મતદારોને સંબોધવાનું ચુક્યા નથી. પહેલીવાર મત આપનારનો તેઓ હંમેશા ઉલ્લેખ કર્યો છે. આ કારણે તેમનો જ ચહેરો યુવાનો માટ સર્વેસર્વા બન્યો છે. તો ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ઉમેદવારોના વિરોધને શાંત કરવાની જરૂરત ઊભી થઈ છે. તો સૌથી મોટો સવાલ કેજરીવાલ અને ઔવેસી સામે પણ મતદારોને થઈ રહ્યો છે. આ તમામ મુદ્દા પર “હમ દેખ રહે હૈ” અમે રાખી રહ્યા છે નજર. હમ દેખેંગે દ્વારા સમાચાર ઉપરાંતની કેટલીક આંતરિક વાતો તમારી સામે રજુ કરી છે જે તમારે મત આપવા પહેલાં જાણવી ખૂબ જ જરૂરી છે.
નવ યુવાનો માટે માત્ર મોદી જ નામ
હાલમાં ચૂંટણી અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે ત્યારે એક સર્વેમાં જાણવા મળ્યું છે કે યુવાનો કે જેમનો જન્મ 1999 કે 2000 પછી થયો છે તેમના માટે સૌથી લોકપ્રિય નેતા મોદી જ છે. ગુજરાતના યુવાનોને જો પૂછવામાં આવે તો તેમના માટે માત્ર મોદી જ સર્વેસર્વા છે. તેમને મોદીને મુખ્યમંત્રી તરીકે જોયા છે અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે પણ તેમને જ જોયા છે. જેથી તેમના જેવા ઉત્તમ નેતા કોઈ બીજા નથી. આનાથી વિપરિત સ્થિતિ 1980 થી 1999 ના દાયકામાં જન્મેલા યુવાનોમાં અલગ જોવા મળે છે. તેમની વચ્ચે મોદીની પણ લોકપ્રિયતા છે પણ બદલાવ થવો જોઇએ તેવું પણ તેમનો મત છે, કેમકે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી માત્ર એક જ પક્ષ શાસન કરે છે માત્ર ચહેરા જ બદલાઈ રહ્યા છે. આ વચ્ચે એક વાત તો નક્કી છે કે વડાપ્રધાન મોદી જે યુવાનો માટે મોટી મોટી જાહેરાત કરે છે તેમનો સાથ તેમને મત સ્વરૂપે પણ મળશે.
આ પણ વાંચો : ચૂંટણીમાં કોઈ કોઈનું કોઈ નહીં તે સાબિત થશે !
ગામડાઓની મુશ્કેલી પર કોણ કરશે કામ
ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે, શહેરમાં ભાજપ ચાલશે અને ગામડાઓમાં કોંગ્રેસ. છેલ્લા ઘણાં વર્ષોથી ઘણાં ગ્રામ્ય મુદ્દાઓ સાથે રાજ્ય જ નહીં પણ દેશમાં વિરોધ થતાં રહ્યા છે. જેમાં ખેડૂતોનો મુદ્દો સૌથી મહત્વનો છે. આજે ગામડાની રજુઆત સાંભળવા માટે યોગ્ય પ્રતિનિધિનો અભાવ પણ જોવા મળે છે. આજે રાજ્યના આશરે 35 ટકા જેટલાં મતદારો ગામડા કે નગરપાલિકામાં રહે છે. ત્યારે તેમના પ્રશ્નોનું નિરાકરણ આવી રહ્યું ન હોવાની ફરિયાદો સાંભળનાર નેતા કે અધિકારીઓ પણ પૂરતા નથી. એટલું જ નહીં આની અસર ગામડામાં મતદાન પર પણ જોવા મળે છે. હાલમાં આવેલી આમ આદમી પાર્ટીએ ગામડાઓના મુદ્દા ટચ તો કર્યા પણ પછી ફરીથી શહેર તરફ જ મુખ ફેરવી લીધું છે. તેમજ રાજ્યનો મોટો હિસ્સો આદિવાસી સમાજ છે તેમની સુવિધાઓ અંગે ક્યાંકને ક્યાંક ઉચવાટ છે અને તેનો હલ કોણ કરશે તે જોવાનું છે.
ભડકો શાંત કરવાની જવાબદાર અમિત શાહે નિભાવવી પડશે
ભાજપમાં અત્યાર સુધી નારાજ થયેલા નેતાને પાર્ટી હાઇકમાન્ડના માધ્યમથી મનાવી લેવામાં આવતા હતા. પણ હાલમાં એવી સ્થિતિ થઈ રહી છે કે કોઈ નેતા સમજવા તૈયાર નથી. એક તરફ મધુ શ્રીવાસ્તવે પાર્ટી છોડીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તો બીજી તરફ આજે ગાંધીનગર કમલમ ખાતે જીગ્નાબેન પંડ્યા પણ વિરોધ વ્યક્ત કરવા માટે પહોંચ્યા હતા જે પછી વઢવાણ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યા છે. આ તરફ દ.ગુજરાતમાં સુરતમાં ચોર્યાસી બેઠક પર કોળી નેતાને બદલે સંદીપ દેસાઈના નામનો વિરોધ પણ ઉગ્ર બની રહ્યો છે. તેમજ ઉત્તર ગુજરાતમાં વિરોધ ચાલે છે જે સામે નથી આવી રહ્યો. હાર્દિક અને અલ્પેશ ઠાકોરની ઉમેદવારી સામે સ્થાનિક નેતાઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે, જેને ભાજપના વરિષ્ઠ નેતાઓ શાંત કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. આ બધું જોતાં હવે જવાબદારી આખરે અમિત શાહે પોતાના હાથમાં લીધી હોય તેવું લાગે છે.
શું કેજરીવાલ અને ઔવેસી માત્ર ‘વોટ કપાવા’ જ આવી ?
ઘણાં રાજકીય વિશ્લેષકો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ક્લિન જીત બતાવી રહ્યા છે. તેમજ ચૂંટણીનો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે તેવું પણ ગણાવી રહ્યા છે. આ માટે આપણે શરૂઆતથી સમજવાની જરૂર છે, જો વાત ઉત્તર પ્રદેશની કરવામાં આવે તો ત્યાં ઔવેસીના AIMIM પાર્ટીના પ્રવેશથી ભાજપને જ મોટો ફાયદો થયો છે. તેમજ તેને કોંગ્રેસ અને અન્ય પક્ષોના જ મત ઓછા કરવાનું કામ કર્યું છે. બીજી તરફ દિલ્હી અને પંજાબની વાત કરવામાં આવે તો ત્યાં ભાજપની સ્થિતિ નબળી જ હતી અને તેના સામે કોંગ્રેસના મત કાપીને આમ આદમી પાર્ટીએ સીધો લાભ લીધો હતો. આ ગણિત જો ગુજરાતમાં જોવામાં આવે તો 2017 ની ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો જ જીતી જ્યારે કોંગ્રેસ 77 બેઠકો પર જીત મેળવી હતી. જેના કારણે કેજરીવાલ કે ઔવેસી ગુજરાતમાં માત્ર મત કાપીને ભાજપને વધુ મજબૂત બનાવે તો નવાઈ નહીં.
આ પણ વાંચો : કોંગ્રેસે આ શું માંડ્યું છે, હવે ઉમેદવારોને મેન્ડેટ આપવામાં પણ કરી રહી છે ભૂલ
નારાજને મનાવવામાં કોંગ્રેસ અવ્વલ સાબિત થશે ખરી !
વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીને લઈ કોંગ્રેસમાં વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ઘણી જગ્યાએ ઉમેદવારોની પસંદગીને લઈ તો કયાંક ટિકિટ કપાતા વિરોધ થઈ રહ્યો છે. હવે કોંગ્રેસે બોટાદ બેઠક પર રમેશ મેરને ટિકિટ આપતા મનહર પટેલ નારાજ થયા છે. જેના માટે મનહર પટેલે સોશિયલ મીડિયા પર મનોવ્યથા ઠાલવી હાઈકમાન્ડ સુધી પોતાની વાત પહોંચાડી હતી. જેના પછી અશોક ગેહલોત થી લઈ મલ્લિકાઅજુર્ન ખડગે પણ આ મુદ્દે તાકિદે પગલાં ભરવા માટે સૂચના આપી છે. જો કે બીજી તરફ ગીર સોમનાથમાં કોંગ્રેસમાં વિરોધ શરૂ થયો છે. જેના માટે પણ તાત્કાલિક ધોરણે પગલાં ભરી રહી છે. એક તો ઉમેદવારો મળી રહ્યા નથી અને તેમાં પાર્ટીના અંદર વિરોધ કોંગ્રસ માટે નારાજ નેતાઓને મનાવવા સિવાય કોઈ જ ઉપાય નથી.
આ પણ વાંચો : નણંદ કરી રહી છે ભાભીની હારનો પ્રચાર, રાજકીય જંગમાં રિવાબા-નયના જાડેજામાંથી કોણ આગળ ?