બાલાસિનોર GIDCના ગોડાઉનમાંથી ઝડપાયો મોટો જથ્થો, પોલીસ પણ ચોંકી ઉઠી
ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ તહેવાર પર ચાઈનીઝ દોરીનો વેપાર કરતા વેપારીઓ પર હવે પોલીસે લાંલ આંખ કરી છે. અને ચાઈનિઝ દોરીનું વેપાર કરતા વેપારીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત ગઈ કાલે વડોદરામાંથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે આજે તો બાલાસિનોરમાંથી ચાઈનીઝ દોરીનું આખું ગોડાઉન ઝડપાયું છે.
ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું
બાલાસિનોર સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે બાલાસિનોરના જી.આઈ.ડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. જેથી પોલીસે બાતમી અનુસાર જી.આઈ.ડીસી વિસ્તારમાં આવેલા આ ગોડાઉનમાં રેડ પાડી હતી. આ રેડમાં અહીથી મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ જથ્થાને કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
ગોડાઉના માલિક ઇંદ્રિશ ઈશાકભાઈ શએખના ગોડાઉનમાંથી આ ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. પોલીસને આ ગોડાઉનમાંથી કિં. રૂ. 21,28,180 ના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા 12,542નંગ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જો કે ગોડાઉનનો માલિક આ કાર્યવાહી થતા ફરાર થઈ ગયો છે. જેથી તેની વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
ગુજરાત હાઈકોર્ટે આપ્યા હતા આદેશ
ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા તેનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યુ હતું. અને છેલ્લા કેટલાક દિવસથી ચાઈનીઝ દોરીના કારણે ઘાતકી ઘટનાઓમાં વધારો નોંધાયો હતો. અનેક વાહનચાલકોના ચાઈનીઝ દોરીના કારણે જીવ ગયા હતા. જે બાદ ગુજરાત હાઈકોર્ટે પોલીસને આ બાબતે કડક કાર્યવાહી કરવા આદેશ આપતા પોલીસ હવે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શંકાસ્પદ લાગતી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેથી હવે આ ઉત્તરાયણના તહેવાર પર ઘાતકી ચાઈનીઝ દોરીના કારણે કોઈ માસુમનો જીવ ન જાય.
આ પણ વાંચો : BRTS કોરિડોરમાં ભૂલથી પણ ન ચલાવતા વાહન, પોલીસ કરી રહી છે કડક કાર્યવાહી !