નેશનલ

ઈન્ડિગો એરલાઇન્સે સર્જ્યો રેકોર્ડ; 40 લાખ કરોડ રૂપિયામાં ખરીદશે 500 વિમાન

નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઈનને સોમવારે જાહેરાત કરી હતી કે તેણે એકસાથે 500 એરબસ એ320નો ઓર્ડર આપીને એક નવો જ ઇતિહાસ રચી દીધો છે. ઈન્ડિગોની પેરન્ટ કંપની ઈ્ટરગ્લોબલને સોમવારે કંપનીના બોર્ડ તરફથી આ ખરીદી માટે મંજૂરી મળી ગઈ હતી. એવિયેશન ઉદ્યોગમાં તાતા જૂથની એન્ટ્રી પછી સ્પર્ધામાં ગળાકાપ વધારો થયા પછી ભારતની સૌથી મોટી એરલાઈન કંપનીએ મોટા પાયે વિસ્તર હાથ ધર્યું છે.

રિપોર્ટ અનુસાર તાજેતરમાં પ્રસિદ્ધ થયેલી એરબસની કિંમત અનુસાર ગણતરી કરીએ તો આ મસમોટો સોદો અંજાદે 50 અબજ અમેરિકન ડોલર એટલે કે 40 લાખ કરોડ રૂપિયા હશે. ઉલ્લેખનિય છે કે, એપ્રિલ 2023ની સ્થિતિએ ઈન્ડિગો ભારતીય એવિયેશન માર્કેટમાં 57.5 ટકા હિસ્સા સાથે વર્ચસ્વ ધરાવે છે.

ઈન્ડિગો એરલાઈને આ ઓર્ડરને લઈને જણાવ્યું કે, આ ઓર્ડર કોઈપણ એરલાઈન દ્વારા એરબસની અત્યાર સધીની સૌથી મોટી ખરીદી છે અને 2030થી 2035 સુધીમાં આ વિમાનોની ડિલિવરી મળવાની આશા છે.

એક તરફ એરલાઈન્સ કંપનીઓ વિમાનની લીઝના ભાડાં ચુકવવામાં, ઊંચા ઇંધણના ભાવના કારણે ખોટનો સામનો કરી રહી છે એ સમયે ભારતની બે વિમાની કંપનીઓએ છેલ્લા ચાર મહિનામાં લગભગ 120 અબજ ડોલરના ઓર્ડર જાહેર કર્યા છે.

આ પણ વાંચો- શું ખરેખર પાછલા 9 વર્ષમાં દેશના દેવામાં 181%નો વધારો થયો છે?

એર ઇન્ડિયાના ફેબ્રુઆરીના 470 વિમાનોના ઓર્ડર બાદ આજે મુસાફરોની દ્રષ્ટિએ સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડીગોએ 50 અબજ ડોલરના 500 નવા વિમાનો ખરીદવા માટે ઓર્ડર આપવાની પેરિસમાં જાહેરાત કરીને એક નવો ઇતિહાસ સ્થાપિત કર્યો છે. ભારતમાં ત્યારે પ્રવાસી વિમાનોની સંખ્યા 700 જેટલી અંદાજીત છે તેની સામે નવા 1480 વિમાનો આગામી દસ વર્ષમાં ભારતમાં આવશે એટલા ઓર્ડર અત્યારે આપી દેવામાં આવ્યા છે.

ભારતીય નાગરિક ઉડ્ડયન યાત્રા માટે વર્ષ 2023 અલગ સાબિત થાય એમ છે. એક તરફ, એરક્રાફ્ટ રીપેર નહી થતા, રોજીંદી ઉડાન ઘટી જતા ખોટમાં ગરકાવ થયેલી ગો ફર્સ્ટ અત્યારે બંધ છે. સ્પાસ જેટની પણ આવી જ હાલત છે ત્યારે એર ઇન્ડિયા બાદ હવે ઈન્ડીગોએ જંગી વિમાનોના ઓર્ડર આપ્યા છે.

ઈન્ડીગોએ ફ્રાંસની કંપની એરબસને 500 વિમાનો માટે ઓર્ડર આપવાની જાહેરાત કરી છે. ટાટા સંચાલિત એરઇન્ડિયાએ 470 વિમાનોનો ઓર્ડર ફેબ્રુઆરીમાં આપ્યો હતો. આ સિવાય વિસ્તારાના 17 અને અકાસાના 56 વિમાનોનો ઓર્ડર પણ છેલ્લા એક વર્ષમાં આવ્યો છે. આ સાથે ભારતમાં આગામી 10 વર્ષમાં જેટલા વિમાનો અત્યારે ઉડે છે તેના કરતા પણ વધારે નવા વિમાનો ભારતમાં પ્રવાસીઓની સેવામાં આવી જશે.

આ પણ વાંચો- આણંદ ACBએ મહેમદાવાદમાં મામલતદાર કચેરીમાં સપાટો બોલાવ્યો

મે મહિનામાં ભારતમાં દૈનિક 4.25 લાખ લોકોએ વિમાન પ્રવાસ કર્યો હતો. જાન્યુઆરીથી મે મહિના વચ્ચે લગભગ 6.36 કરોડ લોકોએ હવાઈયાત્રા કરી હતી જે આગલા વર્ષ કરતા 36 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ભારતમાં આગામી 15 વર્ષમાં વિમાની પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે સાત ટકા વધે એવો અંદાજ છે ત્યારે બોઇંગના મતે ભારતને આગામી દસ વર્ષમાં 2200 જેટલા વિમાનોની જરૂર પડશે એવી શક્યતા છે. અત્યારે કંપનીઓએ આપેલા ઓર્ડરના નવા 1480 અને વર્તમાન 700 વિમાનો ગણવામાં આવે તો પણ ભારતમાં હજુ પણ જરૂરીયાત કરતા વિમાનોની સંખ્યા ઘટે એવી શક્યતા છે.

હવાઈ યાત્રા માટે મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે, નવા એરપોર્ટ અને કનેક્ટિવિટી વધી રહી છે પણ તેની સામે વિમાની કંપનીઓની નાણાકીય સદ્ધરતા હંમેશા પ્રશ્નાર્થ રહી છે. છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં લગભગ 12 જેટલી એરલાઈન્સ બંધ થઇ ગઈ છે.

જેટ એરવેઝની નાદારી બાદ તેને ફરી બેઠી કરવા માટે યુએઈના રોકાણકારે પ્રયત્ન કર્યા હતા તેની બે ફ્લાઈટ શરુ થયેલી પણ ફરી તે બંધ થઇ છે. નસલી વાડિયા જૂથની ગો ફર્સ્ટ પોતે નાદાર જાહેર થઇ છે. ગો ફર્સ્ટ ઉપર એ સમયે 11000 કરોડ રૂપિયાનું દેવું હતું. સ્પાઈસ જેટ ઉપર પણ લગભગ એટલું જ દેવું છે. આ સ્થિતિમાં બન્ને એરલાઈન્સની હાલત કફોડી છે.

ઈન્ડીગોએ છેલ્લા દસ વર્ષમાં લગભગ 10,000 કરોડ રૂપિયાની એકંદર ખોટ નોંધાવી છે પણ છતાં તે આજે દેશની સૌથી વધુ મોટી એરલાઈન્સ છે. ઈન્ડીગો પાસે અત્યારે 300 વિમાનો છે. અગાઉના ઓર્ડર આપેલા 480 વિમાનો 2030 સુધીમાં આવશે અને નવા 500ના ઓર્ડર સાથે 2035 સુધીમાં કંપની પાસે કુલ 1000 જેટલા વિમાનો હશે. આ એરલાઈન્સ ઉપર 44,500 કરોડ રૂપિયાનું દેવું છે તેની સામે 50 અબજ ડોલર (એક અબજ એટલે લગભગ રૂ.8200 કરોડ રૂપિયા)નો ઓર્ડર આજે જાહેર કર્યો છે.

આ પણ વાંચો- અમદાવાદમાં આજે 146મી રથયાત્રા LIVE : રથયાત્રા કોર્પોરેશન પહોંચી, જગન્નાથજીના દર્શન કરવા ભાવિકોનું ઘોડાપુર ઉમડ્યું

Back to top button