ઊંઝા ખાતે જીરુંની 50 હજારની આવક નોંધાઇ, હોળી પછી એકાએક વધશે


ઊંઝા, 8 માર્ચઃ રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે મસાલાની ચીજોની આવકથી ગંજબજારોથી ઉભરાવા લાગ્યા છે. ઊંઝા ગંજ બજાર ખાતે ચાલુ સપ્તાહે જીરુંની સરેરાશ 40થી 50 હજાર બોરી આવક નોંધાઇ હતી. વેપારીઓના અનુસાર હોળી પછી રાજસ્થાનની આવક પણ પૂરજોશમાં ચાલુ થશે ત્યારે 60થી 70 બોરીઓની આવક થશે તેમ મનાય છે. ભરપૂર આવકની સાથે જીરુના ભાવ પણ દબાયા છે. દરમિયાનમાં બહારથી આવેલા લિમીટવાળા માલો વેચાતા નથી. વેપારીઓના અનુસાર તમામ રવી પાક માટે અનુકૂળ હવામાન હોવાથી તમામ પાકની ગુણવત્તા સારી છે.
ઊંઝા ગંજ બજાર ખાતે જીરુમાં હલકા માલના રૂ. 3600થી 3700, મીડિયમના રૂ. 3800થી 4000, સારા માલના રૂ. 4100થી 4200 રહ્યા હતા. જ્યારે કચ્છના બોલ્ડ માલના રૂ. 4400 બોલાયા હતા. નોંધનીય છે પહેલા બોલ્ડ માલના રૂ. 4800થી 4900 હતા. જ્યારે જૂના માલના રૂ. 3600થી 3800 રહ્યા હતા. આમ જૂના અને નવા માલની વચ્ચે ફક્ત રૂ. 300 રૂપિયાનો ફેર છે. દરમિયાનમાં રોજના 30થી 35 હજાર બોરીના કામકાજ નોંધાયા છે.
વરિયાળીમાં ઓછા પાકને આધારે અને ખેતરમાં પાક ઊભો હોવાથી આવકોમાં વધારો થઇ રહ્યો નથી. તેની રાજસ્થાન અને આબુરોડ અને પાવાગઢની આવક થાય છે. તેની સાબરકાંઠાના નવા માલની આવક પણ શરૂ થઇ છે. સાબરકાંઠાના ભાવ રૂ 2000થી 3000, અને આબરોડના ગ્રીન માલના રૂ. 4000થી 7000 સુધીના રહ્યા હતા. વરિયાળીમાં ઘરાકી સારી હોવાથી બજાર મક્કમ છે. જ્યારે જૂના માલના રૂ. 1500થી 2000 સુધીના રહ્યા છે.
ઇસબગૂલમાં ગઇકાલે 14થી 15 બોરીની સૌરાષ્ટ્રમાંથી આવી હતી. જેમાં મૂહૂર્તનો ઊંચામાં રૂ. 4511 સુધીનો ભાવ પડ્યો હતો. સામાન્ય રીતે તેનો ભાવ રૂ. 3500 છે. રાજસ્થાનથી જૂના માલની આવક 2500થી 3500 બોરીની રહી હતી. નવા માલની આવકની પ્રતીક્ષામાં ઘરાકી ઊભી રહી છે, જેના પરિણામે પહેલા વેપાર 4થી 7 હજાર બોરીના રહેતા હતા તે હવે ઘટીને 3થી 4 હજાર બોરીના થાય છે. નવો માલ ટૂંક સમયમાં એટલે કે એકાદ સપ્તાહમાં શરૂ થવાની વકી છે.
ધાણામાં સૌરાષ્ટ્રમાંથી 3થી 4 બહોરીની આવક થાય છે. તેનો ભાવ રૂ. 1350થી 2200 સુધીના છે. તેમાં સૌથી હલકો માલ ગણાતા ઇગલના ભાવ રૂ. 1350થી 1450, ગ્રીન ધાણીના રૂ. 1500થી 1700, રેશમપટ્ટીના રૂ. 1800થી 2200 રહ્યા હતા.
આ પણ વંચોઃ મહિલાઓ માટે આ પાંચ સરકારી યોજનાઓ વિશે તમને જાણકારી છે?