ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઘરમાં રાખેલાં રસાયણોથી પ્રચંડ વિસ્ફોટ, 11 કિલોના જથ્થા સાથે એકની ધરપકડ

Text To Speech
  • વિસ્ફોટના કારણે આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું
  • આરોપી ફટાકડા બનાવવા જથ્થો લાવ્યો હતો
  • રોહતકથી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ બોલાવવી પડી

સોનીપત: પ્રચંડ વિસ્ફોટ બાદ શાંતિ વિહારના એક ઘરમાંથી 11 કિલોથી વધુ પોટાશ-સલ્ફર મળી આવ્યું છે. પોલીસે ઘરના માલિક ઈરફાનની ધરપકડ કરી છે. આ પહેલા 30 ઑક્ટોબરના રોજ ઘરમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો જેનાથી આખું ઘર બળીને ખાક થઈ ગયું હતું. આ અંગેની જાણ થતાં પોલીસ ટીમ આરોપીના ઘરે પહોંચી અને ત્યાંથી જ્વલનશીલ પદાર્થોનો જથ્થો મળી આવ્યો. અકસ્માત બાદ પોલીસે રોહતકથી બોમ્બ સ્કવોડ અને એફએસએલ ટીમને તપાસ માટે બોલાવી હતી. તપાસ દરમિયાન 11 કિલો 400 ગ્રામ સલ્ફર અને 200 ગ્રામ પોટાશ મળી આવ્યું હતું. પોલીસે ઘરના માલિક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે તે દિવાળી પર વેચવા માટે સલ્ફર અને પોટાશ લાવ્યો હતો.

પોલીસે આરોપી વિરુદ્ધ એક્સપ્લોઝિવ એક્ટ, એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના એએસઆઈ નીલમે પોલીસને જણાવ્યું કે, રવિવારે માહિતી મળી હતી કે શાંતિ વિહારમાં ઈરફાનના ઘરમાં સલ્ફર અને પોટાશ રાખવામાં આવ્યા છે, જેના કારણે વિસ્ફોટ થયો હતો. તેઓ FSLની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શેરી તરફના રૂમમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ હતી. આગના કારણે રૂમ સંપૂર્ણપણે બળી ગયો હતો તેમજ ઈલેક્ટ્રીકલ ફીટીંગ પણ બળી ગયા હતા. રૂમમાં જ્વલનશીલ પદાર્થોની હાજરીને કારણે રોહતકથી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવાની ફરજ પડી હતી.

આરોપી ફટાકડા વેચીને કમાણી કરવા માંગતો હતો

આરોપીએ પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે તે દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધને લઈ પોટાશ અને સલ્ફર લાવ્યો હતો. કારણ કે તેનો ઉપયોગ ફટાકડા તરીકે કરી શકાય છે. તે તેને વેચીને નફો મેળવવા માગતો હતો. હવે પોલીસ તેની પાસેથી સલ્ફર અને પોટાશ વેચનારને શોધી કાઢશે.

આ પણ વાંચો: તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થતાં 9નાં કરુણ મૃત્યુ

Back to top button