બનાસકાંઠામાં એચપીસીએલ પાઇપલાઈન વિવાદઃ ખેડૂતો હજુ પણ દુઃખી

બનાસકાંઠા : ઉત્તર ગુજરાતમાં એચપીસીએલ પાઇપલાઇન વિવાદ હજુ શમવાનું નામ લેતો નથી અને હજુ ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. આજે પણ ઉત્તર ગુજરાતના માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ વળતરની ચૂકવણીમાં પણ એક જ ગામમાં ખેડૂતો વચ્ચે ભેદભાવ થઈ રહ્યો છે. જયારે આ ઉપરાંત ખેતરોમાંમાંથી પસાર થતી પાઇપલાઇનની આજુ-બાજુ મોટી માર્જિનથી જગ્યા છોડવી પડે છે આ પ્રશ્નને લઈને પણ ખેડૂતોમાં અસંતોષની લાગણી ઉદ્ભવી છે. આ વિસ્તારના ખેડૂત આગેવાન કલ્યાણભાઈ રબારીએ ફરી આ મુદ્દો ઉપસ્થિત કરીને ખેડૂતો પ્રત્યે અધિકારીઓના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી છે.
ખેડૂત આગેવાન કલ્યાણભાઈ રબારીએ શું કહ્યું
ખેડૂત આગેવાન કલ્યાણભાઈ રબારીના જણાવ્યા મુજબ સરકારની પણ વાત કંપની માનતી ન હોય તો અમો પણ કંપનીનેને જમીન આપી નથી પણ સરકારના કહેવાથી આપી છે. તેથી અમો બધી પાઈપો ઉપાડીને ફેંકી દઈશું તો તેની જવાબદારી કંપની અને પાલનપુર પ્રાંત અધિકારીની રહેશે અમારી સાથે દાદાગીરીથી જમીનો લીધી પણ હવે પ્રાંત અધિકારીને બચાવવા અને કરેલ આર્થિક સેટીંગનું ખેડૂતોના ભોગે કંપનીને ફાયદો કરાવવાનું અધિકારીઓ બંધ કરે કારણ આ ઈસ્ટ ઈન્ડિયા નથી. પણ અધિકારીઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની જેવા થઈ ગયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે સરકારના આદેશ બાદ હજુ પણ ન્યાય નહી મળે તો અમો બધા ખેડૂતો સાથે મળી પાઇપો ઉખાડી દિવાળી બાદ પ્રાંત કલેક્ટર કચેરીએ ધરણાં કરીશું, સરકાર નહેર નીચેથી, રોડ નીચેથી,પાણી કે ઓઈલ પાઈપની નીચેથી, નદીમાંથી અને સરકારની જગ્યામાંથી નીકળતી પાઈપ લાઈનનું જે મોટું વળતર સરકારના વિભાગો કંપનીઓ પાસેથી લે છે. તેના ૧૦ ટકા વળતર પણ ખેડૂતોને અપાતું નથી. જો આ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતો સામે ચાલીને પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર હોય છે. વધુમાં કંપની ખેડૂતોને શેરનો હિસ્સો પણ આપતી નથી.

ગુજરાત સરકારે કંપનીને નિયમ મુજબ ખેડૂતોને વળતર ચૂકવી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો
બનાસકાંઠામાં રાજસ્થાનના પંચપદરાથી ચંડિસર એટલેકે બાડમેર – પાલનપુર સુધી એચ.પી.સી.એલ.કંપનીની દ્વારા ખેડૂતોની જમીન પર પાઇપલાઇનનું ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ દરમ્યાન બનાસકાંઠા જિલ્લાના લગભગ 800 ખેડૂતોના ખેતરોમાં કંપની દ્વારા પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ બાદ ખેડૂતોને જમીન સંપાદનમાં જમીન વળતર, પાક, ઝાડ અને બાંધકામના આપવામાં આવી રહેલા વળતરને લઈ ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો. જેને પગલે ડીસાના એક જાગૃત ખેડૂત કલ્યાણ રબારીએ સમગ્ર મામલાનો અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ બાદ ગુજરાત સરકારમાં છેલ્લા બે વર્ષથી રજૂઆત કરી રહ્યા હતા. જેમાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને કંપનીને નિયમ મુજબ ખેડૂતોને વળતર ચૂકવી આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
ખેડૂતોને લેખિતમાં કોઈ જવાબ આપવામાં આવતો નથી
આ અંગે ખેડૂતો દ્વારા સ્થાનિક સ્તરે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે, જગ્યા છોડવાના નિયમ વિશે પૂછવામાં આવે છે છતાં તેનો લેખિતમાં કોઈ જવાબ આપવામાં આવતો નથી. જવાબ નહીં મળવા અંગે ફોનથી પૂછવામાં આવે ત્યારે પાઇપલાઇન માટે જગ્યા છોડવાના માપની ફોન પર સૂચના આપી દેવામાં આવે છે, પરંતુ લેખિત અપાતું નથી. આ કારણે સ્થાનિક ખેડૂતો હજુ પણ હેરાનગતી અનુભવી રહ્યા છે. અધિકારીઓના વાંકે સરકાર પર દોષારોપણ થઈ રહ્યું છે. જ્યારે હકીકત તો એ છે કે, પાઇપલાઇન નાખવાના નિયમ તેમજ વળતર અંગેના સ્પષ્ટ આદેશ આપી જ દીધેલા છે.
8 થી 10 કરોડનું વળતર મળશે 800 ખેડૂતોને
ખેડૂતો દ્વારા રાજ્ય સરકારમાં અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે સરકારના મેહસૂલ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે બનાસકાંઠા જિલ્લાના 800 ખેડૂતોને લગભગ 8 થી 10 કરોડનું વળતર મળશે. ત્યારે આ જમીન વળતરમાં જમીન સંપાદન અધિનિયમ -2013 મુજબની જોગવાઈઓ 100ટકા સોલેસિયમ રકમ ને લઈને બે વર્ષ થી લડત ચાલી રહી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્યણ લઈ પાલનપુર પ્રાંતને જવાબ દારી સોપાઈ હતી.
આ પણ વાંચો : લો બોલો, દિવાળીના તહેવારોમાં સતત ફટાકડાના અવાજના કારણે કાયમી બહેરાશનું જોખમ