ચંદ્રની રચના કેવી રીતે થઈ હશે? ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાનને તેના ઇતિહાસ અને વિકાસનું ‘બ્લેકબોક્સ’ મળ્યું
- અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને ISROના વૈજ્ઞાનિકોની એક ટીમે દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની જમીનની રચનાનો અભ્યાસ કર્યો
નવી દિલ્હી, 22 ઓગસ્ટ: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતના ચંદ્રયાન-3ની સફળ ઐતિહાસિક લેન્ડિંગની પ્રથમ વર્ષગાંઠ નિમિતે આવતીકાલે 23 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ પહેલા જ, ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન દ્વારા કરવામાં આવેલી શોધ પરના અભ્યાસમાં ચંદ્રની રચના કેવી રીતે થઈ અને તેના વિકાસ અંગે મહત્ત્વપૂર્ણ સંકેતો મળ્યા છે. રોવરે જે શોધ્યું છે તે ચંદ્રની રચના સાથે સંબંધિત મેગ્મા સિદ્ધાંતની પુષ્ટિ કરે છે. આ મહત્ત્વપૂર્ણ શોધે ચંદ્રયાન-3ની સિદ્ધિઓના મૂકુટમાં વધુ એક પીછું ઉમેર્યું છે. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અને ISROના વૈજ્ઞાનિકોની એક ટીમે રોવર પરના પેલોડ્સમાંથી એક આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (APXS) દ્વારા એકત્રિત ડેટાનો ઉપયોગ કરીને દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની જમીનની રચનાનો અભ્યાસ કર્યો છે.
National Space Day – 2024
One day to go!Come, let us together celebrate the maiden National Space Day 🇮🇳@DrJitendraSingh #NSpD2024 pic.twitter.com/RAZkvSFSwM
— ISRO (@isro) August 22, 2024
કેવી રીતે થઈ ચંદ્રની રચના?
આ પૃથ્થકરણ ચંદ્ર પરની માટીના માપ સાથે સંબંધિત છે, જેને પ્રજ્ઞાન રોવર દ્વારા સમગ્ર સપાટી પર 100 મીટરના અંતરને આવરી લેતા બહુવિધ બિંદુઓ પર રેકોર્ડ કરવામાં આવ્યું છે. અભ્યાસના પરિણામો એ સિદ્ધાંતની પુષ્ટિ કરે છે કે, ચંદ્રની સપાટી એક સમયે મેગ્માનો મહાસાગર હતી. ચંદ્રની ઉપરની સપાટી હળવા ખનિજોથી બનેલી છે, જેનું પહેલાથી જ અનુમાન કરવામાં આવ્યું હતું. મેગ્મા એ ખડકોનું પીગળેલું સ્વરૂપ છે જે અર્ધ ઘન હોય છે. આ શોધની માહિતી ‘નેચર’ મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવી છે. મેગ્મા થિયરી અનુસાર, બે પ્રોટોપ્લેનેટ (ગ્રહની રચના પહેલાનો તબક્કો) વચ્ચેની અથડામણના પરિણામે ચંદ્રની રચના થઈ હતી. અથડામણ પછી, મોટો ગ્રહ પૃથ્વી બન્યો અને નાનો ગ્રહ ચંદ્ર બન્યો. આ થિયરી અનુસાર, બે પ્રોટોપ્લેનેટની અથડામણને કારણે, ચંદ્ર ખૂબ જ ગરમ થઈ ગયો, જેના કારણે તેનું આખું આવરણ પીગળી ગયું અને ‘મેગ્મા’ સમુદ્રમાં ફેરવાઈ ગયું.
અભ્યાસ કહે છે કે, જેમ જેમ ચંદ્રની રચના થઈ રહી હતી, ત્યારે તે ઠંડો થઈ ગયો અને ઓછી ઘનતાવાળા FeNs સપાટી પર તરવા લાગ્યા, જ્યારે ભારે ખનીજ તળિયે ડૂબી ગયા અને ‘ધાતુ’ બની ગયા, જે ‘ક્રસ્ટ’ (સપાટીનો ઉપરનો ભાગ) નીચે સ્થિત છે.
આવતીકાલે ભારતની ચંદ્ર પર સફળ ઐતિહાસિક લેન્ડિંગને એક વર્ષ થશે
ભારતે ગયા વર્ષે 23 ઓગસ્ટે ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. આ મિશનને એક વર્ષ પૂર્ણ થવા પર આ નવી માહિતી બહાર આવી છે. ચંદ્રના આ ભાગ પર રહેલી માટીની અગાઉ ક્યારેય તપાસ કરવામાં આવી નથી કારણ કે ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ છે.
પ્રજ્ઞાન રોવરમાં સ્થાપિત ‘આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર’ (APXS)એ આ માહિતી એકત્રિત કરી છે. જેનાથી જાણવા મળ્યું છે કે ‘ફેરોન એનોર્થોસાઇટ’ (FAN) નામનો ખડક ચંદ્રની સપાટી પર પુષ્કળ પ્રમાણમાં હાજર છે. આ શોધ ‘લુનર મેગ્મા ઓશન’ (LMO) સિદ્ધાંતને મજબૂત બનાવે છે. LMO સિદ્ધાંત મુજબ, અબજો વર્ષો પહેલા ચંદ્ર લાવાનો સંપૂર્ણ પીગળાયેલો બોલ હતો. જેમ જેમ આ લાવા ઠંડો થયો તેમ, ભારે ખનિજો તળિયે સ્થિર થયા અને હળવા ખનિજો ટોચ પર તરવા લાગ્યા. આ કારણે ચંદ્રનું ઉપરનું પડ હળવા મિનરલ્સથી બન્યું.
APXSને ચંદ્રની જમીન પર ‘મેગ્નેશિયમ’નું ઊંચું પ્રમાણ પણ મળી આવ્યું છે. જે દર્શાવે છે કે કેટલાક પદાર્થો ચંદ્રના ઊંડા સ્તરોમાંથી પણ ઉપર આવ્યા છે. આ સંભવિત રીતે ‘દક્ષિણ ધ્રુવ-એટકેન બેસિન’ની રચના દરમિયાન બન્યું હશે.
વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3ના લેન્ડિંગ સ્થળ ‘શિવ શક્તિ પોઈન્ટ’ પાસે 50 મીટરની ત્રિજ્યામાં 23 સ્થળોએથી નમૂના લીધા હતા. જેમાં જાણવા મળ્યું કે માટીની રચના બધી જગ્યાએ સરખી છે. આ માહિતી ભવિષ્યના મિશન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.