રાજ્યોને કેવી રીતે કરવામાં આવે છે નાણાકીય ફાળવણી? અહીં જાણો પ્રક્રિયા
નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી: દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો કેન્દ્ર સરકાર પર ભંડોળની ફાળવણીમાં ભેદભાવ કરવાનો આરોપ લગાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે જે રાજ્યો કેન્દ્રને વધુ ટેક્સ ચૂકવે છે તેમને અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછું ભંડોળ મળી રહ્યું છે. જો કે, નાણાપંચ હેઠળ નક્કી થયા મુજબ રાજ્યોને ભંડોળ મળે છે. જેના માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે, કયા માપદંડના આધારે કયા રાજ્યોને કેટલો હિસ્સો મળે છે? તેમજ નાગરિક પાસેથી વસૂલવામાં આવતી ટેક્સની રકમ રાજ્ય સરકારને કેવી રીતે જાય છે?
રાજ્યોને કયા આધારે ભંડોળ પ્રાપ્ત થાય છે?
રાજ્યોને મળતું ફંડ વેટેજ સિસ્ટમના આધારે મળે છે. જેમ કે, વસ્તી, જંગલો, કામગીરી, આવક અને રાજ્યની ખાધ ધટાડવાના પ્રયાસના આધારે રાજ્યોને ભંડોળ પૂરું પાડવામાં આવે છે. જો કે, GST લાગુ થયા પછી એવા ઘણા કરવેરા એવા છે જે અગાઉ રાજ્ય સરકાર જાતે એકત્ર કરતી હતી, તે હવે કેન્દ્રને ફાળે જાય છે. જેનો હિસ્સો મેળવવા માટે પણ રાજ્યોએ કેન્દ્ર પર નિર્ભર રહેવું પડે છે. દેશના બંધારણની કલમ 280 મુજબ કરવેરાનો હિસ્સો નાણાપંચ નક્કી કરે છે. નાણાપંચ સ્વયં ભલામણ કરે છે કયા રાજ્યને કેટલો હિસ્સો મળવો જોઈએ. હંમેશની જેમ આ બજેટમાં પણ કેન્દ્ર સરકારે મહેસૂલની ફાળવણીની વિગતો બહાર પાડી છે.
યુપીને સૌથી વધુ, તમિલનાડુને સૌથી ઓછું ભંડોળ
આ વર્ષે બજેટમાં રજૂ કરાયેલી વિગતો અનુસાર, કુલ આવકમાંથી ઉત્તર પ્રદેશને સૌથી વધુ 17.93% એટલે કે, 2.19 લાખ કરોડ રૂપિયા ફંડ મળ્યું છે. બીજા સ્થાને બિહાર છે, જેને 10.05% એટલે કે, 1.23 લાખ કરોડ રૂપિયા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. ત્યારબાદ મધ્યપ્રદેશને રૂ.95,752 કરોડ, પશ્ચિમ બંગાળને રૂ.91,764 કરોડ અને મહારાષ્ટ્રને 77 હજાર કરોડ રૂપિયા ફંડ સરકાર તરફથી મળશે.
સૌથી ઓછું કેન્દ્રીય ભંડોળ મેળવતા રાજ્યોની વાત કરીએ તો, આંધ્રપ્રદેશને 4.05% એટલે કે રૂ. 49,364 કરોડ, કર્ણાટકને 3.65% એટલે કે રૂ. 44,485 કરોડ અને તમિલનાડુને 4.08% એટલે કે રૂ. 49,755 કરોડ મળે છે. જો કે, ડેટા અનુસાર, બિહાર ટેક્સ ભરવામાં બહુ આગળ નથી, પરંતુ ઉત્તર પ્રદેશ પછી તેને સૌથી વધુ આવકનો હિસ્સો મળે છે. એવી જ રીતે, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાત જે ઉચ્ચ ટેક્સ ભરતાં રાજ્યો છે છતાં તેમને ભંડોળમાં ઓછો હિસ્સો મળે છે.
બીજી તરફ, દક્ષિણના રાજ્યોએ કેન્દ્ર સરકાર પર તેમના હિસ્સાના પૈસા ન મળવાનો આરોપ લગાવ્યો છે. કર્ણાટક, કેરળ સહિત ઘણાં રાજ્યોની સરકારોએ કેન્દ્ર પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. જેના કારણે છેલ્લા બે દિવસથી કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન તેમના કાર્યકરો સાથે દિલ્હીમાં કેન્દ્ર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ પણ વાંચો: મોદી સરકારે રજૂ કર્યું શ્વેતપત્ર, UPAના આર્થિક ગેરવહીવટ પર કરશે ચર્ચા