અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

પ્રવાસનની જાહેરાતો અને મહોત્સવો પાછળ કેટલા ખર્ચ્યા? સરકારે આંકડો જણાવ્યો

Text To Speech

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2024, ગુજરાતના પ્રવાસન સ્થળોનો પ્રચાર કરવા તથા તેની જાહેરાતો અને કાર્યક્રમો પાછળ થયેલો ખર્ચ તેમજ રાજ્યમાં થતાં મહોત્સવો પાછળ થયેલા ખર્ચ અંગેનો મુદ્દો આજે વિધાનસભામાં ગાજ્યો હતો. વિપક્ષના ધારાસભ્યએ કરેલા સવાલનો આ મુદ્દે લેખિતમાં ઉત્તર આપ્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષમાં 142.38 કરોડ રૂપિયા પ્રવાસનની જાહેરાતો અને કાર્યક્રમો પાછળ ખર્ચ કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત નવરાત્રિ મહોત્સવ, રણોત્સવ અને પતંગોત્સવ પાછળ સરકારે છેલ્લા બે વર્ષમાં 46.12 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. જ્યારે રહેવા જમવા અને ટ્રાન્સપોર્ટેશન પાછળ 2.35 કરોડ ખર્ચાયા છે.

ટ્રાન્સપોર્ટેશન પાછળ બે વર્ષમાં 2.35 કરોડ ખર્ચાયા
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકારને સવાલ કર્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં વર્ષવાર રાજ્યમાં નવરાત્રિ મહોત્સવ, પતંગોત્સવ અને રણોત્સવ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો, અને ખર્ચ પૈકી કેટલો ખર્ચ જમવા, રહેવા અને ટ્રાન્‍સપોર્ટેશન માટે કરવામાં આવ્યો? આ સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, 2022 અને 2023માં નવરાત્રિ મહોત્સવ પાછળ 16.35 કરોડ, રણોત્સવ પાછળ 22.39 કરોડ અને પતંગોત્સવ પાછળ 7.38 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે આ માટે સરકાર તરફથી રહેવા અને જમવા તથા ટ્રાન્સપોર્ટેશન પાછળ બે વર્ષમાં 2.35 કરોડ ખર્ચાયા છે.

142.38 કરોડ રૂપિયા પ્રવાસનની જાહેરાતો અને કાર્યક્રમો પાછળ ખર્ચાયા
બીજી તરફ ખેડબ્રહ્મા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ પ્રવાસન મંત્રીને સવાલ કર્યો હતો કે, બે વર્ષમાં વર્ષવાર રાજ્યમાં પ્રવાસન અંગેની જાહેરાતો અને કાર્યક્રમો પાછળ કુલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો? આ સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, છેલ્લા 2 વર્ષમાં પ્રવાસનની જાહેરાતો અને કાર્યક્રમો પાછળ સરકાર તરફથી 142.38 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃગિફટ સિટીમાં દારૂ પીવાની મંજૂરીને હાઈકોર્ટ પડકાર, નિર્ણયનાં માઠાં પરિણામોની ચેતવણી

Back to top button