ટ્રેન્ડિંગબિઝનેસવિશેષ

મુકેશ અંબાણી અને તેમના બાળકો કેટલો પગાર લે છે?

મુંબઈ, 7 ઓગષ્ટ: પેટ્રોલિયમથી લઈને ટેલિકોમ્યુનિકેશન અને રિટેલ સુધીના ક્ષેત્રોમાં કામ કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ સતત ચોથા વર્ષે કોઈ પગાર લીધો નથી. જો કે, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અંબાણીના બાળકોને દેશની સૌથી મૂલ્યવાન કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ થવા માટે ‘સિટિંગ ફી’ અને ‘કમિશન’ મળ્યા છે. મીટિંગમાં હાજરી આપવા માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સ્વતંત્ર સભ્યોને ‘સીટિંગ ફી’ ચૂકવવામાં આવે છે. અંબાણીએ (67) નાણાકીય વર્ષ 2008-09 થી 2019-20 સુધી તેમનું વાર્ષિક મહેનતાણું રૂ. 15 કરોડ નક્કી કર્યું હતું.

કોરોના મહામારી પછીથી પગાર નથી લેતા

કોવિડ-19 રોગચાળાને કારણે મુકેશ અંબાણીએ નાણાકીય વર્ષ 2020-21 થી કંપની અને તેના તમામ વ્યવસાયો તેમની કમાણી ક્ષમતા પર સંપૂર્ણ રીતે પાછા ન આવે ત્યાં સુધી તેમનો પગાર છોડી દેવાનું પસંદ કર્યું. કંપનીના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, તેમને નાણાકીય વર્ષ 2023-24માં પગાર, ભથ્થાં તેમજ નિવૃત્તિ લાભોના રૂપમાં ‘શૂન્ય’ રકમ મળી હતી. અંબાણી 1977થી રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે. અંબાણી જુલાઈ 2002 માં તેમના પિતા અને જૂથના સ્થાપક ધીરુભાઈ અંબાણીના અવસાનથી અધ્યક્ષ છે. મુકેશ અંબાણીને ગયા વર્ષે એપ્રિલ, 2029 સુધીના પાંચ વર્ષના કાર્યકાળ માટે રિલાયન્સના વડા તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે આ સમયગાળા દરમિયાન શૂન્ય પગાર લેવાનું પસંદ કર્યું છે. “જો કે, તે બિઝનેસ ટ્રિપ્સ દરમિયાન મુસાફરી, ભોજન અને રહેઠાણ માટે થયેલા ખર્ચની ભરપાઈ માટે હકદાર હશે,” ગયા વર્ષે તેમની પુનઃનિયુક્તિ માટે શેરધારકોની મંજૂરી માગતા વિશેષ ઠરાવમાં જણાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, “કંપની અંબાણી અને તેમના પરિવારના સભ્યોને સુરક્ષા પ્રદાન કરવાની વ્યવસ્થા કરશે અને તેના માટે કંપની દ્વારા ઉઠાવવામાં આવેલા ખર્ચને અનુમતિ તરીકે ગણવામાં આવશે નહીં.”

અંબાણીની કુલ સંપત્તિ 109 અબજ ડોલર છે

અંબાણીની સંપત્તિ 109 અબજ ડોલર છે. તેઓ વિશ્વના 11મા સૌથી અમીર વ્યક્તિ છે. તે અને તેમનો પરિવાર રિલાયન્સમાં 332.27 કરોડ શેર અથવા 50.33 ટકા હિસ્સો ધરાવે છે. આ હિસ્સો તેમને અને તેમના પરિવારને 2023-24 માટે રૂ. 3,322.7 કરોડની ડિવિડન્ડ આવક આપશે, જેના માટે કંપનીએ શેર દીઠ રૂ. 10નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. અંબાણીના પિતરાઈ ભાઈ નિખિલ અને હિતલ મેસવાણીનું મહેનતાણું નાણાકીય વર્ષ 2023-24માં અનુક્રમે 25.31 કરોડ અને 25.42 કરોડ રૂપિયા થઈ ગયું છે. નાણાકીય વર્ષ 2022-23માં બંનેનું મહેનતાણું 25-25 કરોડ રૂપિયા હતું. આમાં રૂ. 17.28 કરોડનું કમિશન સામેલ છે (જે છેલ્લા બે નાણાકીય વર્ષોથી યથાવત છે).

અનંત અંબાણીનો પગાર

એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીએમએસ પ્રસાદનું મહેનતાણું વધીને રૂ. 17.93 કરોડ થયું છે. તેમને 2022-23માં રૂ. 13.50 કરોડનો પગાર મળ્યો હતો, જેમાં 2021-22 માટે કામગીરી-સંબંધિત પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે, જે 2022-23માં ચૂકવવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2021-22માં તેમને 11.89 કરોડ રૂપિયાનું મહેનતાણું મળ્યું હતું. અંબાણીના પત્ની નીતા અંબાણી 28 ઓગસ્ટ, 2023 સુધી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. તેણે 2023-24 માટે ‘સીટિંગ ફી’ તરીકે રૂપિયા 2 લાખ અને ‘કમિશન’ તરીકે રૂપિયા 97 લાખ લીધા હતા. તેમના ત્રણ બાળકો – ઈશા, આકાશ અને અનંત – ગયા વર્ષે ઑક્ટોબરમાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં શૂન્ય પગાર પર નિયુક્ત થયા હતા. ત્રણેયને ‘સીટિંગ ફી’ તરીકે દરેકને 4 લાખ રૂપિયા અને ‘કમિશન’ તરીકે 97 લાખ રૂપિયા મળ્યા હતા.

આ પણ જૂઓ: #Heartbreaking વિનેશ ઓલિમ્પિકમાંથી બહાર થતા રડ્યાં કરોડો દિલ, સોશિયલ મીડિયા પર લોકોનું દુ:ખ છલકાયું

Back to top button