કર્ણાટકના CM સિદ્ધારમૈયા દર મહિને સોશિયલ મીડિયા પર કેટલો ખર્ચ કરે છે? RTIમાં થયો ખુલાસો, જાણો
- રાજ્યપાલ થાવર ચંદ્ર ગેહલોતે CM સિદ્ધારમૈયા પર કેસ ચલાવવાની આપી દીધી છે મંજૂરી
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) જમીન ફાળવણી કૌભાંડમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓનો કોઈ અંત દેખાઈ રહ્યો નથી. રાજ્યપાલ થાવર ચંદ્ર ગેહલોતે આ કેસમાં સીએમ સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. ત્યારથી તેમના પર CM પદ પરથી રાજીનામું આપવાનું દબાણ છે. શનિવારે કોંગ્રેસે રાજભવ ચલો માર્ચ પણ કાઢી હતી. આ કૂચનો હેતુ રાજ્યપાલ દબાણ લાવવાનો હતો કે તેઓ કેસ ચલાવવાની મંજૂર આપતા નિર્ણય પર પુનર્વિચાર કરે. આ દરમિયાન એક RTI જવાબમાં જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરવા માટે 54 લાખ રૂપિયા ખર્ચ કરે છે. તેઓ વ્યક્તિગત અને સત્તાવાર બંને ખાતા માટે આટલો ખર્ચ કરે છે.
RTI દાખલ કરીને માંગ્યો જવાબ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, RTI કાર્યકર્તા મારલિંગા ગૌર માલી પાટીલે RTI દાખલ કરીને જવાબ માંગ્યો હતો. જ્યારે તેમને ખબર પડી કે, સરકાર પાસે અનેક વિકાસના કામો માટે ફંડ નથી તો તેમણે તેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રીઓની તુલનામાં સિદ્ધારમૈયા સોશિયલ મીડિયા પર ખૂબ ઓછો ખર્ચ કરે છે. અગાઉ મુખ્યમંત્રીનો આ ખર્ચ લગભગ 2 કરોડ રૂપિયા હતો.
એકાઉન્ટ હેન્ડલ કરવા માટે 25 લોકોની ટીમ
સરકારી એજન્સી કર્ણાટક સ્ટેટ માર્કેટિંગ કોમ્યુનિકેશન એન્ડ એડવર્ટાઇઝિંગ લિમિટેડ (MCA)એ આ માહિતી આપી. ગયા વર્ષે 25 ઓક્ટોબરથી માર્ચ 2024 સુધીમાં મુખ્યમંત્રી કાર્યાલયે લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. RTIમાં મળેલી માહિતી મુજબ, CMOએ દર મહિને લગભગ 53.9 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમાં 18 ટકાનો GST પણ સામેલ છે. આ ચુકવણી પોલિસી ફ્રન્ટ નામની કંપનીને કરવામાં આવી હતી, જે સિદ્ધારમૈયાના ખાતાઓનું સંચાલન કરે છે. તેમાં લગભગ 25 લોકોની ટીમ છે.
આ પણ જૂઓ: કર્ણાટકમાં BJP નેતા સામે જાતીય શોષણનો આરોપ, FIR નોંધવાઈ