કેટલી છે ભુપેન્દ્રભાઈની કુલ સંપત્તિ, ગુજરાતના CMને દર મહિને કેટલું વેતને મળે છે?
ગાંધીનગરઃ ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ રાજ્યમાં સતત 7મી વખત સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટીએ સરકારની કમાન ભુપેન્દ્ર પટેલને સોંપી છે, જેઓ ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યાં છે. આવા સંજોગોમાં ભુપેન્દ્ર પટેલ વિશે જાણવા માટે દરેકને ઉત્સુકતા છે, ચાલો જણાવીએ કે ભાજપના નેતા ભુપેન્દ્ર પટેલની કુલ સંપત્તિ કેટલી છે અને ગુજરાતના સીએમ તરીકે તેમને કેટલું વેતન મળશે.
ભુપેન્દ્ર પટેલનું એફિડેવિટ
ભુપેન્દ્ર પટેલે 2022ની ચૂંટણીના એફિડેવિટમાં પોતાની સંપત્તિનો ઉલ્લેખ કર્યો છે. ચૂંટણી પંચને આપેલી એફિડેવિટ મુજબ ભુપેન્દ્ર પટેલની કુલ સંપત્તિ 8 કરોડ 22 લાખ રૂપિયા છે. સાથે જ તેમની પાસે કોઈ જમીન નથી, પરંતુ તેમના પત્ની હેતલબેનના નામે 16 લાખ 30 હજાર રૂપિયાની જમીન છે. પટેલ પાસે 2 લાખ 15 હજાર 450 રૂપિયા રોકડા છે. આ ઉપરાંત ભુપેન્દ્ર પટેલ પાસે અંદાજે રૂપિયા 25 લાખના દાગીના છે અને તેમની પત્ની પાસે રૂપિયા 47 લાખ 50 હજારના દાગીના છે. ભુપેન્દ્ર પટેલે વર્ષ 2017ની ચૂંટણીમાં 5 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.
3,21,000 વેતન
પાટીદાર સમાજમાંથી આવતા ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 18મા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેમણે ઘાટલોડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારને 1.92 લાખ મતોના માર્જિનથી હરાવ્યા છે. 60 વર્ષના ભુપેન્દ્રભાઈ પટેલના પગાર વિશે વાત કરીએ તો, અહેવાલો અનુસાર, તેમને 321,000 રૂપિયા માસિક પગાર મળે છે. આ સિવાય તેમણે મફત રહેઠાણ, મુસાફરી ભથ્થું, તબીબી સુવિધાઓ વગેરે મળે છે. તેવી જ રીતે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુને 310,000 રૂપિયા માસિક પગાર મળશે. આ ઉપરાંત સુખવિંદર સિંહને પણ મફત આવાસ, મુસાફરી ભથ્થું, તબીબી સુવિધાઓ પણ મળશે.
દરેક રાજ્યના મુખ્યમંત્રીનો પગાર અલગ-અલગ હોય છે
જણાવી દઈએ કે દેશમાં કુલ 28 રાજ્યો છે. આ રાજ્યોના વડા ત્યાંના ‘મુખ્યમંત્રી’ છે. રાજ્ય સ્તરે મુખ્યમંત્રીનું સ્થાન કેન્દ્રમાં વડાપ્રધાન જેવું જ છે. આપણા દેશમાં દરેક રાજ્યના મુખ્યમંત્રીનો પગાર અલગ-અલગ હોય છે, કારણ કે દરેક રાજ્યમાં મંત્રીઓ માટે અલગ-અલગ પગાર ધોરણ હોય છે. અને અન્ય સરકારી કર્મચારીઓને જેમ જ દર મહિને પગારની ચૂકવણી કરવામાં આવે છે.